– રાજ્યસભાની ચૂંટણીમાં ૪૧ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા
– પક્ષોને હોર્સ-ટ્રેડિંગનો ભય : હોટેલ-રિસોર્ટમાંથી ધારાસભ્યો સીધા જ વિધાનસભામાં પહોંચી મતદાન કરશે
રાજ્યસભાની ૫૭ બેઠકો પર થઈ રહેલી ચૂંટણીમાં ૪૧ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને હવે ૧૬ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોની હાર-જીતનો નિર્ણય શુક્રવારે ચાર રાજ્યોના ધારાસભ્યો કરશે. મહારાષ્ટ્રની છ, રાજસ્થાન અને કર્ણાટકની ચાર તથા હરિયાણાની બે બેઠકો પર શુક્રવારે મતદાન થવાનું છે તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકમાં હોર્સ ટ્રેડિંગના ભયથી પક્ષોએ તેમના ધારાસભ્યોને અત્યાર સુધી હોટેલો અને રિસોર્ટમાં કેદ કરી રાખ્યા હતા. હવે આ ધારાસભ્યો હોટેલ-રિસોર્ટથી સીધા જ મતદાન કેન્દ્રો પર પહોંચશે. ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી માટે વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે અને સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો છે. આ રાજ્યોમાં કોંગ્રેસના દિગ્ગજ પ્રમોદ તિવારી, અજય માકન, ઈમરાન પ્રતાપગઢી, ભાજપના સમર્થનથી મીડિયા મુઘલ સુભાષ ચંદ્રા, કાર્તિકેય શર્મા વગેરે મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, બિહાર, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તિસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં ૪૧ ઉમેદવારો બીનહરીફ રાજ્યસભામાં પહોંચી ગયા છે. જોકે, શુક્રવારે ચાર રાજ્યોની ૧૬ બેઠકો પર મતદાન થશે. દેશના ૧૧ રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણીમાં નિર્વિરોધ રાજ્યસભામાં પહોંચી જનારા ૪૧ ઉમેદવારોમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ ૧૧, તામિલનાડુના છ, બિહારના પાંચ, આંધ્ર પ્રદેશના ચાર, મધ્ય પ્રદેશ અને ઓડિશાના ત્રણ-ત્રણ, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા અને ઝારખંડમાંથી બે-બે અને ઉત્તરાખંડમાંથી એક ઉમેદવારનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં બીનહરીફ રાજ્યસભામાં પહોંચી ગયેલા ઉમેદવારોમાંથી ૮ ભાજપના જ્યારે કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસના ચાર-ચાર સાંસદોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં લગભગ બે દાયકા કરતાં વધુ સમય પછી રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહીં છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈમાં વિવિધ હોટેલ્સ અને રિસોર્ટમાં કેદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો સીધા જ મતદાન કરવા પહોંચશે.
Leave a Reply