મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
બુધવારે સમાપ્ત થયેલ જૂન માસની મોનિટરી પોલિસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજદરમાં 0.50%નો વધારો કરતા હવે રેપો રેટ 4.90% થયો છે. એમપીસીના તમામ સભ્યોએ એકમતે 0.50%નો વ્યાજદર વધારો કરવાનો મત આપ્યો હતો.
આ સિવાય બેંકો માટે અતિ મહત્વના MSF રેટમાં પણ આરબીઆઈએ વ્યાજદર વધાર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી દર પણ 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બંને દર અનુક્રમે વધારીને 4.65% અને 5.15% કર્યા છે.
આ સિવાય એમપીસીએ મોનિટરી પોલિસીને અકોમોડેશનથી અગ્રેસિવ કરવા માટે મહત્વના જરૂરી પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી છે.
રેપો રેટ અને EMIનું કનેક્શન
રેપો રેટ એ દર હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે તો બેન્ક પણ વ્યાજદર ઘટાડે છે, એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજદર ઓછો હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે તો વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઊંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબૂર થવું પડે છે.
RBI MPC બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કરેલ અન્ય પગલાંઓ :
- શહેરી અને ગ્રામીણ સહકારી બેંકો દ્વારા આપવામાં આવેલી વ્યક્તિગત હોમ લોન પરની મર્યાદામાં છેલ્લા એક દાયકામાં હાઉસિંગના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 100 ટકાથી વધુનો વધારો કરવામાં આવી રહ્યો છે.
- શહેરી સહકારી બેંકો હવે તેમના ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ આપી શકશે
- ગ્રામીણ સહકારી બેંકો હવે કોમર્શિયલ રિયલ એસ્ટેટ અથવા રેસિડેન્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે લોન આપી શકે છે.
ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાશે :
RBI ગવર્નરે UPI પેમેન્ટ સિસ્ટમ સાથે હવે ક્રેડિટ કાર્ડને જોડવાની જાહેરાત કરી છે. જોકે શરૂઆતી તબક્કામાં રુપે આધારિત ક્રેડિટ કાર્ડને જ UPI સાથે સાંકળી શકાશે.
રિકરિંગ E-પેમેન્ટ ત્રણ ગણું વધાર્યું : RBIએ હવે રિકરિંગ ઈ-પેમેન્ટ માટેની મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે
Leave a Reply