– બોર્ડમાં હવે માત્ર 5 જ ડાયરેક્ટર
ભારતીય બેંકિંગ સેક્ટરની વધુ એક બેંકની સ્થિતિ દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. બેંકની નબળી નાણાંકીય સ્થિતિ અને વધતા ખર્ચને લઈને શેરધારકોએ અગાઉ જ ચેતવણીઓ આપી દીધી હતી અને હવે એક બાદ એક ડાયરેક્ટરોના રાજીનામા ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યાં છે.
જોકે આજે મળેલ અહેવાલ અનુસાર બોર્ડના વધુ બે ડાયરેક્ટરોએ રાજીનામા આપી દીધા છે. કેરળના થ્રિસુરમાં આવેલી આ બેંક દેશની સૌથી જૂની બેંકોમાંની એક છે. ધનલક્ષ્મી બેંકના બોર્ડમાં ડાયરેક્ટરોની સંખ્યા ઘટીને હવે 5 થઈ ગઈ છે. બેંકના બોર્ડમાં મહત્તમ 9 ડાયરેક્ટર હોઈ શકે છે. હાલ સીકે ગોપીનાથન આ બેંકના ડાયરેક્ટર છે અને સૌથી મોટા રોકાણકારોમાંના એક છે. તેમની પાસે ધનલક્ષ્મી બેંકનો 10 ટકા હિસ્સો છે. હવે જી રાજગોપાલન નાયર પણ ડાયરેક્ટર છે. નાયર સ્વતંત્ર ડાયરેક્ટર છે.
સીઈઓ ઉપરાંત ડીકે કશ્યપ અને જયકુમાર યારાસી અન્ય બે ડાયરેક્ટર છે. યારાસી આરબીઆઈના નોમિની ડાયરેક્ટર છે. સેબીના નિયમો મુજબ શેરબજારમાં લિસ્ટેડ કંપનીના બોર્ડમાં ઓછામાં ઓછા છ ડાયરેક્ટર હોવા જોઈએ અને લિસ્ટેડ કંપનીના બોર્ડમાં ઓછામાં ઓછા 3 થી 4 સ્વતંત્ર ડાયરેક્ટર હોવા જોઈએ.
હાલમાં નાયર ધનલક્ષ્મી બેંકના બોર્ડમાં એકમાત્ર સ્વતંત્ર ડાયરેક્ટર છે. જો તે રાજીનામું આપશે તો બોર્ડમાં કોઈ સ્વતંત્ર ડાયરેક્ટર રહેશે નહીં. સુશીલા મેનન આરનું રાજીનામું 1 મેથી લાગુ થઈ ગયું છે. રાજીનામા માટે તેમણે અંગત કારણો આપ્યા હતા. જોકે આ બાબત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કેટલાક ઈક્વિટી રોકાણકારો સાથે મતભેદને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.
આ બાબત સાથે સંકળાયેલા એક વ્યક્તિએ કહ્યું કે નવા ડાયરેક્ટરોની નિમણૂકમાં ધનલક્ષ્મી બેંકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેનું કારણ એ છે કે બોર્ડમાં સીટને લઈને કેરળ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ બેંકના કેટલાક ભૂતપૂર્વ ડાયરેક્ટરોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે વાર્ષિક સામાન્ય સભામાં ડાયરેક્ટની નિમણૂકમાં તેમના દાવા માટે કોર્ટની દરમિયાનગીરીની માંગ કરી છે જેમાં કેએમ મધુસુદન, પી મોહનન અને પ્રકાશ ડીએલનો સમાવેશ થાય છે. ધનલક્ષ્મી બેંકના અન્ય ટોચના શેરધારકોમાં એમએ યુસુફ અલી (5 હિસ્સો), કપિલ વાધવન (5 હિસ્સો), શીતલ રઘુ કટારિયા (2.63) અને વેસ્પ્રા ફંડ (4.63 હિસ્સો)નો સમાવેશ થાય છે. સામે પક્ષે ધનલક્ષ્મી બેંકના કેટલાક શેરધારકોએ બોર્ડને પત્ર લખીને અસાધારણ સામાન્ય સભા (EGM) બોલાવવાની માંગ કરી છે.
Leave a Reply