– 25 મિનિટમાં 47 કિમી દૂર પાર્સલ પહોંચાડાયું
– દેશમાં સૌપ્રથમવાર ડ્રોનથી ડિલિવરી
– ભુજના હબાયથી ભચાઉના નેર સુધી ટપાલ પહોંચાડવાની ટ્રાયલ સફળ થઈ
દેશમાં પ્રથમ વખત સૌથી મોટા અને સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો હતો, પણ હવે એનો ઉપયોગ ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થઈ રહ્યો છે. ડ્રોનથી ટપાલસેવાની શરૂઆત કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને 2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિલોમીટર દૂર પહોંચ્યું હતું.
ડ્રોન મારફત ટપાલસેવા પહોંચતી કરવાના ટ્રાયલ બેઝના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. સવારે 9:11 કલાકે હબાયથી રવાના કરવામાં આવેલું પાર્સલ 9:36 કલાકે ભચાઉ તાલુકાના નેર ગામે પહોંચ્યું હતું, જ્યાં પોસ્ટ વિભાગની બીજી ટીમ પણ હાજર હતી. 25 મિનિટમાં હબાયથી નેર સુધીનું અંદાજિત 47 કિલોમીટરનું અંતર કાપી ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, પણ આધુનિક યુગમાં ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની આ હિલચાલ ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવી છે.
ડ્રોનની ટ્રાયલમાં દવાઓનું 2 કિલો વજનનું પાર્સલ મોકલાયું
ઝડપી સંદેશ પહોંચાડવા પોસ્ટ વિભાગમાં ડ્રોનનો ઉપયોગ આવશ્યક છે, જેનું આગામી દિવસોમાં વિમાની સેવાથી પણ વધારે મહત્ત્વ પુરવાર થશે. – દામજીભાઈ આહીર, સ્થાનિક અગ્રણી
દિલ્હીથી 4 સભ્યની ટીમ આવી
ડોરસ્ટેપ બેન્કિંગ બાદ પોસ્ટ વિભાગ ડ્રોનથી ડિલિવરી જેવું આધુનિકતા તરફ કદમ ઉપાડી રહ્યું છે. સ્થાનિકના અધિકારીઓ સહિતની ઉચ્ચ ટીમની હાજરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીથી 4 સભ્યની ટીમ પણ આવી છે
શા માટે આ રૂટની પસંદગી
આ માર્ગમાં મોટી ઈમારતો અને ટ્રાફિક ન હોવાથી ડ્રોન ડિલિવરી માટે અનુકૂળ છે, જેથી આ રૂટની પસંદગી કરવામાં આવી છે. વિદેશોમાં ડ્રોન મારફત ડિલિવરી છેલ્લા લાંબા સમયથી શરૂ થઈ ગઇ છે.
Leave a Reply