મેઇક ઇન ઇન્ડિયા અને ઔદ્યોગિકીકરણની ઉદારનીતિનાં કારણે એકતરફ કચ્છમાં નાના-મોટા ઉદ્યોગો આવ્યા છે, પરંતુ એક અંદાજ મુજબ 25 હજાર કરોડના મૂડીરોકાણ સાથેના બે ઉદ્યોગો જે મુંદરામાં આવવાના હતા તેમણે મુંદરા સામેથી મોઢું ફેરવી લીધું છે અને બંનેમાં કારણભૂત સ્થાનિક લોકોની સ્વાર્થી એવી બ્લેકમેઇલ પદ્ધતિ જવાબદાર મનાય છે. અતિઉત્સાહ સાથે ભૂમિપૂજન કર્યા બાદ ઉદ્યોગગૃહ ખડા કરવાની તજવીજ સાથે `ફૂલ ખીલ હી નહીં પાયે ઔર ભંવરે તૂટ?પડે’ જેવો તાલ રચાયો છે.
કચ્છ નહીં પણ સમગ્ર રાજ્યમાં જમીનના નકશામાં ભારે વિસંગતતા અને ખામીઓ છે. આ અધૂરાશનો ફાયદો લઇ વાદ-વિવાદ અને કાનૂની દાવપેચમાં કંપનીના પતંગ કાપી નાખવામાં આવ્યા છે. સંખ્યાબંધ લોકોએ અમે વિવાદ ઉકેલી આપશું… ગામલોકો વાંધા ન લે અને તમારું કામ સરળ કરી આપશું તેવા દાવા સાથે ગામના જ કેટલાક તત્ત્વોએ લાખો રૂપિયા પડાવી લીધા અને કાયદાની જાળમાં ફસાયેલી કંપનીઓએ પોતાના તંબુઓને સંકેલી લઇ મુંદરાને રામ રામ કરી નાખ્યા છે.
પ્રથમ વાત કરીએ નવીનાળ ગામ નજીક આવેલી ભારત ફોર્સ, કલ્યાણી ગ્લોબલ કંપની યુદ્ધમાં વપરાતા હથિયારો ટેન્ક અને ટેન્કના પાટા સહિતનું ઉત્પાદન કરવાની નેમ ધરાવતી હતી. ભૂમિપૂજનના કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, `દેશની સરહદ ઉપર રખેવાળી કરતા નૌજવાનને હથિયારો મુંદરા પૂરાં પાડશે.’ એકતરફ આ કાર્યક્રમ બાદ જમીનના ભાવો ઊંચકાયા, બીજીતરફ કેટલાક ગ્રામ્યજનોએ નદીનું વહેણ બંધ થઇ જશે, જમીનનું ઓવરલેપિંગ થાય છે જેવા મુદ્દાને લઇને કહેવાતા અન્યાય સામે હાઇકોર્ટમાં દાદ મેળવવા રિટ કરી અને કોર્ટે મનાઇહુકમ આપ્યો. બસ… મનાઇહુકમ મળતાં કંપનીના સૂત્રધારો ભારે નારાજ થયા અને મન બનાવી લીધું કે ગામલોકો નારાજ હોય તો આટલું મોટું મૂડીરોકાણ અમને કરવું નથી.
વાસ્તવમાં કેટલાક ગ્રામ્યજનો પોતાના અંગત સ્વાર્થ ખાતર કોર્ટે ચડયા હતા, પણ કંપની જતી રહી. આ કંપનીએ પાંચથી છ ગામને કાયમના માટે દત્તક લેવાની અને 10 હજાર માણસને રોજગારી આપવાની ખાતરી આપી હતી. આ આખું યુનિટ મેન્યુઅલી ચાલવાનું હતું અને સ્થાનિકોને રોજગારી આપવા સિવાય છૂટકો પણ ન હતો એવું યુનિટ હતું. સમયાંતરે સંખ્યાબંધ?લોકોએ પાંચ લાખથી માંડીને 20 લાખ રૂા. ગાંઠે બાંધી લીધા, પણ જમીન સંબંધી જે પ્રશ્ન હતો એ ઉકેલાયો નહીં. નોંધપાત્ર વિગત એ પણ છે કે, રેવન્યુ અને સંબંધિત તંત્ર પણ કંપનીના સપોર્ટમાં ઊભું ન રહ્યું. આજે આ જ કંપનીએ સાણંદ પાસે પ્લાન્ટ નાખ્યો છે અને ઉત્પાદન પણ શરૂ કરી નાખ્યું છે.
મુંદરાના ગ્રામ્યજનોએ માત્ર અફસોસ વ્યક્ત કર્યો, પણ 15 હજાર કરોડ રૂા.નું મૂડીરોકાણ અન્યત્ર જતું રહ્યું. જ્યારે રૂા. 10 હજાર કરોડના મૂડીરોકાણ સાથે કુંદરોડી પાસે આવનારી ક્રોમિની સ્ટીલ કંપની પણ ગાડાવાટ અને બસવાટ જેવા મુદ્દે અટવાઈ ગઈ છે અને આ કંપનીએ પણ લગભગ ઉચાળા ભરી લીધા છે. આ કિસ્સામાં મુંદરાની એક અને કુંદરોડી ગામની 1 મળી માત્ર ર વ્યક્તિઓએ અધધધ રૂા. 70 લાખ પડાવી લઈ કંપનીને નોંધારી છોડી મૂકી છે. 70 લાખ રૂા. એ ન માની શકાય એવો આંકડો છે પણ એ હકીકત છે કે આ આંકડો સાચો છે. જેમની પાસે સાઈકલનો પણ વેંત ન હતો એ રાતોરાત ફોરવ્હીલરમાં ફરતા થયા. અહીં પણ જમીન સંબંધી જ અને કામના ઠેકા મેળવવાનો વિવાદ હતો.
ભવ્ય શમિયાણામાં ચીનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે થયેલું આ કંપનીનું ભૂમિપૂજન અત્યાર પૂરતું તો એળે ગયું છે. ભારત અને ચીનની કંપનીનું સંયુક્ત સાહસ હતું. ક્રોમિની સ્ટીલ કંપની પણ લગભગ જતી રહી છે. બંને કંપનીઓ વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મળ્યો છે અને ન્યાયાલયના આદેશ સામે કંપનીઓ લાચાર છે. ગાંધીનગરમાં જે ઔદ્યોગિક મીટ અને ઉદ્યોગોનું જે રીતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે તે આવકાર્ય છે પણ સ્થાનિકે પરિસ્થિતિ જુદી છે.
કનગડત માત્ર ને માત્ર જમીન-પર્યાવરણ-નદી-નાળાં- જમીનનું ઓવરલેપિંગ જેવા મુદ્દાનું એ જ અર્થમાં અમલીકરણ કરાવવું હોય તો વાત જુદી પણ આ મુદ્દા હવે કંપનીઓને દબાવવાના મુદ્દા બની ગયા છે. ઔદ્યોગિકીકરણના 8 વર્ષના `વનવાસ’ બાદ તાજેતરમાં યોજાયેલી બે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પબ્લિક હીયરિંગમાં લોકોએ ઉદ્યોગોને મોટાભાગનાઓએ આવકાર્યા હતા. ઉદ્યોગો ભલે આવે, અમને રોજગારી આપો તેવો સૂર જ એમ સૂચવતો હતો કે આ રાંડ્યા પછીનું ડહાપણ છે. કાયમ વિરોધ કરતા કેટલાક ચોક્કસ લોકો પણ આંખ મિલાવ્યા વગર કાગળ આપી શાંતિથી બેસી રહ્યા હતા.
તો કેટલાક રજૂઆત કરનારા મુદ્દા આધારિત નહીં પણ પ્રભાવ પાડવાના હેતુથી બોલતા હતા. જ્યારે વવાર ગામ સ્થિત 17 વર્ષથી કાર્યરત કાર્બન એડ્ઝ નામની કંપનીને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે બંધ કરી નાખવાની નોટિસ આપી છે. 300 શ્રમિકો ઉપર બેરોજગારીની તલવાર લટકે છે. હવાના પ્રદૂષણને કારણે અમારી ખેતી ઉપર વિપરીત અસર પડી છે તેવું જે જણાવે છે એના ખેતરમાં ગાંડો બાવળ ઊભો છે. અહીં પણ એક ચોક્કસ નામધારી વ્યક્તિએ 25 લાખ `પતાવટ કરાવી આપું’ના માગ્યા છે. ફેકટરી અત્યારે બંધ છે.
વવાર ગ્રામપંચાયતના સરંપચ બાબુભાઈ ગઢવીએ મામલતદારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે – કંપની ગામના વિકાસનાં કામો જનહિત અને શિક્ષણનાં કામો કરે છે. 50થી વધુ ગ્રામજનોની સહીઓ સાથેના પત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામના કેટલાક તત્ત્વો એક યા બીજી રીતે રૂપિયા પડાવવાની કોશિશ કરે છે. જ્યારે કંપનીએ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગામના કેટલાક નઠારા તત્ત્વો દ્વારા પોતાના અંગત આર્થિક લાભો માટે કંપનીને હેરાન કરે છે. કંપની માલિકને કંપનીમાં જતાં રોકવામાં આવે છે. આ પત્રમાં કંપની દ્વારા થયેલા કામોની વાત કરવામાં આવી છે, ઉપરાંત જય મોરદાદા એજયુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ તથા વવાર પાંજરાપોળે પણ કંપની તરફથી અમને સહયોગ મળે છે તેવું જણાવ્યું છે. ટુંકમાં અહીં વાત તો એ જ આર્થિક લાભ ન મળવાથી `કરો હેરાન’ની જ આવે છે અને પતાવટ કરાવવાના 25 લાખ રૂપિયા! સામા પક્ષે ઉદ્યોગગૃહો પણ ગ્રામપંચાયતની ચૂંટણીમાં રસ લેવો… એકને કામ આપવું અને એકને ન આપવું, સ્થાનિક લોકોની ધરાર ઉપેક્ષા કરવી અને રોજગારી ન આપવી તથા શિરજોર તત્ત્વોને રૂપિયાથી ખરીદવાની બિનલોકશાહી કાર્યપ્રણાલી ઉપરાંત સક્ષમ અધિકારી સમક્ષ રજૂઆત કરવાનું ટાળવું જેવાં પરિબળોએ લુખ્ખા તત્ત્વોને મોટું મેદાન મળી ગયું છે.
કંપનીને દબાવવાની અનેક ટેકનિક આવા તત્ત્વોને હસ્તગત છે. ટુંડાની એક વ્યક્તિ જે આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ હતી તે એ.સી.બી.ના છટકામાં આવી જ ખંડણી માગવાના કેસમાં આબાદ ઝડપાઈ ગઈ છે. ઉદ્યોગો જોઈતા હશે તો ગામલોકોએ પણ જાગૃત રહેવું પડશે.
Leave a Reply