‘હજું’ ભાજપમાં જવાનો મેં કોઈ નિર્ણય નથી કર્યોઃ હાર્દિક પટેલ

– કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર એક શોભાના ગાંઠિયા જેવીઃ હાર્દિક પટેલ

– ‘નરહરી અમીન, 1972માં ચીમનભાઈ પટેલ સહિતના નેતાઓએ અવાજ કર્યો એટલે હટાવી દેવાયા’

– ‘કોંગ્રેસે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગુજરાતમાંથી 5 કરોડ ઉઘરાવ્યા’

જાહેર જીવનના 7 અને કોંગ્રેસી નેતા તરીકેની 4-4.5 વર્ષની કરિયર બાદ હાર્દિક પટેલે ગત રોજ (બુધવારે) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે આજે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હાર્દિક પટેલે તેમાં કોંગ્રેસની કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર એક શોભાના ગાંઠિયા જેવી જ હોવાનો દાવો કર્યો છે. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજ્યના અનેક કોંગ્રેસી કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યોનો ઉપયોગ કરી રહી છે અને સમય આવ્યે તેમને ફેંકી દેવાશે. આ સાથે જ તેણે નરહરી અમીન, 1972માં ચીમનભાઈ પટેલ સહિતના નેતાઓને હટાવવાનું કામ થયું હોવાનું યાદ અપાવ્યું હતું.   

હાર્દિકે જણાવ્યું કે, મને કોંગ્રેસ છોડવાનો કોઈ જ અફસોસ નથી. મેં ગર્વથી રાજીનામુ આપ્યું છે. આ સાથે જ તેણે 2017માં કોંગ્રેસ માટે મત માગવા બદલ માફી માગી છે. હાર્દિકે જણાવ્યું કે, હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે પાટીદાર નેતાઓએ મને ચેતવ્યો હતો. જો કોંગ્રેસને જોવી હોય તો રાજીવ ગાંધી ભવન ખાતે જઈને ઓળખો. દાહોદ ખાતેની બેઠકનો ઉલ્લેખ કરીને કહ્યું કે, બિલ 25,000 રૂપિયાનું બન્યું અને ઉપરથી 70,000 રૂપિયા લેવામાં આવ્યા. પૈસા કમાવવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવો. 

આ સાથે જ પોતાના પિતાના મૃત્યુનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાજરી ન આપી. મારા પિતાએ પણ મારા કોંગ્રેસમાં જોડાવાના નિર્ણય મુદ્દે મને ચેતવ્યો હતો. આ સાથે જ પોતાના 3 વર્ષ બગાડવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. 

હાર્દિકે કોંગ્રેસમાં માત્ર પાટીદાર સમાજ સાથે જ અન્યાય નહીં, ગુજરાતમાં કોંગ્રેસ આદિવાસી, ઓબીસી સહિત તમામ સમાજને અન્યાય કરે છે અને ગુજરાતમાં કોંગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતીઓને નફરત કરે છે. માત્ર 10 લોકોના આધાર પર તેઓ ગુજરાતમાં કોંગ્રેસ બનાવવાનું કામ કરે છે. સામે ગુજરાતના નેતાઓ દિલ્હીમાં રાહુલ ગાંધીને ભરમાવવાનું કામ કરે છે. 

હાર્દિકે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસને મેં આપ્યું છે, લીધું નથી. મારા પિતા કોઈ નેતા નહોતા. કાર્યકારી પ્રમુખનું પદ સોંપીને સતત અન્યાય કરવામાં આવ્યો છે, કામ નથી કરવા દેવામાં આવ્યું. કોઈ મદદ પણ નથી કરવામાં આવી. કોંગ્રેસે યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ગુજરાતમાંથી 5 કરોડ ઉઘરાવ્યા છે. 

હાર્દિકે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાત આવ્યા ત્યારે ગુજરાતની સમસ્યા અંગે કોઈ વાત ન કરી. સાથે જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ પ્રજાની સમસ્યાના બદલે મહેમાનોની વ્યવસ્થાની જ ચિંતા કરી છે. કોંગ્રેસ પાર્ટી માત્ર 7-8 લોકો જ ચલાવતા રહે છે.

પટેલ અનામતની માગણી સાથે બાઈક રેલી દ્વારા આંદોલનની શરૂઆત કરનારા હાર્દિક પટેલે રાજકીય કારકિર્દી ક્ષેત્રે ખૂબ જ ઝડપી ઉદય કર્યો તેમ કહી શકાય. હાર્દિક પટેલે બુધવારે સવારે ટ્વિટ કરીને પોતે કોંગ્રેસપાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યો હોવાની જાહેરાત કરી હતી અને પોતે ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

આ સાથે જ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં તેણે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે અને કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ હોવા સહિતના અનેક ગંભીર અને સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: