– કચ્છમાં થેલેસેમિયા નાબૂદી માટે દરેક સમાજ સંયુક્ત ઝુંબેશ શરૂ કરે: ડો. પિલ્લઈ
કચ્છમાથી આગામી દાયકા દરમિયાન થેલેસેમિયા સંપૂર્ણ નાબૂદ થાય એ રીતે દરેક સમાજને સંયુક્ત ઝુંબેશ ઉપાડવાની અપીલ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લઈએ ભુજ ખાતે લોહાણા મહાજન વાડીમાં નીરવ જયસુખ માણેકની સ્મૃતિમાં યોજાયેલા થેલેસેમિયા ટેસ્ટિંગ કાર્યક્ર્મમાં કરી હતી.
૮મી મે વિશ્વ થેલેસેમિયા ડે નિમિત્તે અદાણી જી.કે. જન.હોસ્પિટલ ખાતે અને લોહાણા મહાજન ભુજના સહયોગથી આયોજિત આ કાર્યક્ર્મમાં સમાજના આગેવાનોને ઉદબોધન કરતાં ડો.પિલ્લઈએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘થેલેસેમિયા સામે જાગૃત થાઓ અને લોકોને જાગૃત કરો’નું મંત્ર(થીમ) આપ્યું છે. ત્યારે આ સંદર્ભમાં પણ કચ્છમાં વ્યાપક ઝુંબેશ શરૂ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. અને ઉમેર્યું હતું કે, થેલેસેમિયા ટેસ્ટ જરૂરી છે.
ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, લોહાણા સમાજના પ્રમુખશ્રી કિરણભાઇ ગણાત્રા અને જી.કે. જન.ના ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીની ઉપસ્થિતિમાં થેલેસેમિયાના આ પરીક્ષણ કેમ્પમાં દોઢસોથી વધુ ટેસ્ટિંગ કરાયું હતું.
નિરવ માણેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજ લોહાણા આરોગ્ય સમિતિના ચેરમેન ડો. મુકેશ ચંદે, ઇંડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.હેમાલીબેન ચંદે, બાપા દયાળુ સંસ્થાના એ.જી.એલ.એસ. પ્રમુખ જયેશભાઇ સચદે, ભુજ લોહાણા મહાજન સમાજના ખજાનચી દિપક ઠક્કર જ્યારે દાતા પરિવાર વતી શંકરલાલ છગનલાલ માણેક, જયસુખભાઇ માણેક અને રાજેશભાઈ માણેક ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં જિજ્ઞાબેન માણેકે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. પ્રોજેકટ કો.ઓર્ડિનેટર ડો. અમિત ચંદે, પ્રિતેશ ઠક્કર અને સચિન કોટકે સહયોગ આપ્યો હતો. જ્યારે સમાજની વિવિધ પાંખો અને સંસ્થાઓ તેમજ જી.કે. જન.હોસ્પિ.ના એડમીન શાખાએ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન અમિતભાઇ ચંદે અને આભારદર્શન પ્રિતેશ ઠક્કરે કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો કાર્યક્રમો જોડાયા હતા.
Leave a Reply