મહામારી બાદ હવે મોંઘવારી દુનિયાભરના દેશોને સતાવી રહી છે અત્યાર સુધી આપણે એકંદરે સાનુકુળ પરિસ્થિતિમાં હોવાની વાતો કહેતા ભારતની મધ્યસ્થ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે એકાએક વ્યાજદરમાં તોતિંગ વધારો કરીને સૌને આશ્ચર્ય સાથે આંચકો આપ્યો છે.
બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે અણધારી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ચાર વર્ષ બાદ મુખ્ય વ્યાજદરોમાં વધારાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, મોંઘવારીના વિષચક્રને કાબૂમાં લેવા વ્યાજદરમાં વધારો કરવો જરૂરી બન્યો છે.
રિઝર્વ બેન્ક રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો છે તો કેશ રિઝર્વ રેશિયો (CRR) 0.5 ટકા વધીને 4.50% કર્યો છે જે છેલ્લા ચાર વર્ષમાં વ્યાજદરમાં પહેલો વધારો છે. આ પૂર્વે રિઝર્વ બેન્કે સતત 12 મોનેટરિંગ પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખ્યા હતા.
રેપોરેટ અને સીઆરઆરમાં વધારો કરતા નવી લોન અને લીધેલી લોનના વ્યાજદર, લોનના હપ્તા વધી જશે. સરળ શબ્દોમાં કહીયે તો લોન મોંઘી થઇ જશે.
RBIની કબુલાત – મોંઘવારી હજી વધશે…
રિઝર્વ બેન્કના ગવર્નરે સ્વીકાર્યું હતું કે માત્ર એપ્રિલમાં જ નહી પણ અનાજ, ખાધતેલ અને ઇંધણના ઊંચા ભાવના કારણે હવે મોંઘવારી એક પડકાર બની ગઈ છે અને આવનારા સમયમાં પણ મોંઘવારી ઉંચી રહે કે વધે એવું લાગી રહ્યું છે એટલે બજારની ધારણા કરતા પહેલા વ્યાજના દરમાં 0.4 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ચોક્કસ છે કે ગ્રાહકો કે રિટેલ લોન મોંઘી થશે કારણ કે તે સીધી રેપો રેટ સાથે જોડાયેલી હોય છે. પણ મોંઘી થયા છતાં કેન્દ્ર સરકાર બજારમાંથી જે વ્યાજ ચૂકવી નાણા ઉપાડી રહી છે તેના કરતા સસ્તું ધિરાણ ગ્રાહકોને મળતું રહેશે!
Leave a Reply