ભારતના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્ર ગણાતા કોર સેક્ટરનો ઉત્પાદન વૃદ્ધિદર માર્ચ મહિનામાં ઘટીને 4.3 ટકા થયો છે, જ્યારે ફેબ્રુઆરીમાં ઉત્પાદન 6 ટકાના દરે વધ્યુ હતુ. આ સાથે વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષમાં ઉત્પાદન 10.4 ટકા વધ્યુ છે.
સરકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી માત્ર ત્રણ સેક્ટર માર્ચમાં ઝડપી ઉત્પાદન વૃદ્ધિદર દર્શાવ્યો છે જેમાં ખાતર, સિમેન્ટ અને વીજ ક્ષેત્રનો સમાવેશ થાય છે જ્યારે ફેબ્રુઆરીમાં છ ક્ષેત્રોનું ઉત્પાદન ઝડપથી વધ્યુ હતુ.
માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે ખાતરનું ઉત્પાદન 15.3 ટકા વધ્યું છે તો સિમેન્ટ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને વીજળીના ઉત્પાદન અનુક્રમે 8.8 ટકા, 7.6 ટકા, 6.2 ટકા અને 4.9 ટકાનો વધારો નોંધાયો છે.
જ્યારે ફેબ્રુઆરીમાં ખાતરના ઉત્પાદનમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. તો સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં અનુક્રમે 5 ટકા અને 4.5 ટકાનો વધારો થયો હતો.
માર્ચમાં કોલસા અને ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં અનુક્રમે 0.1 ટકા અને 3.4 ટકાનો ઘટાડો થયો છે.
આ સાથે 31મી માર્ચના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં કોર સેક્ટરનું ઉત્પાદન 10.4 ટકા વધ્યુ છે જ્યારે તેની પૂર્વેના કોરોના મહામારી – લોકડાઉનવાળા નાણાંકીય વર્ષમાં મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રોના ઉત્પાદનમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં કોર સેક્ટરના પ્રોડક્શન ગ્રોથમાં ઘટાડો થવાથી હવે ઔદ્યોગિક ઉત્પાદન આંક (આઇઆઇપી)માં પણ ઘટાડો થવાની સંભાવના છે, કારણ કે આઠ મુખ્ય ઉદ્યોગો આઇઆઇપીમાં 40.3 ટકા વેઇટેજ ધરાવે છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક જાન્યુઆરીમાં 1.5 ટકા અને ફેબ્રુઆરીમાં 1.7 ટકા વધ્યો છે.
Leave a Reply