– જીવનના નવ દાયકા બાદ શરીર નબળું પણ મન મજબૂત
– હાડકાં અને એનેસ્થેટિક વિભાગે સફળ ઓપરેશન કરી દાદાને ચાલતા કર્યા
જે માનવીએ જીવનના નવ દાયકા પસાર કરી દીધા હોય છ્તા કોઈપણ પડકારને પહોંચી વળવાની અદભુત ઈચ્છા શક્તિ તેમજ જિજીવિષા હોય તો સફળતા પગમાં પડે છે આવી જ એક દ્રઢ ઇચ્છાશક્તિને સથવારે માંડવીના ૯૧ વર્ષના દાદાએ અદાણી જી.કે. જનરલ હોસ્પિટલમાં થાપાનું ઓપરેશન કરાવ્યુ અને બીજા દિવસથી જ પગમાં જોમ આવ્યું અને ચાલતા થઈ ગયા..!
જી.કે. જનરલના ઓર્થો અને થાપાના નિષ્ણાંત સર્જન અને એસો. પ્રો .ડો. નવીન ગાગલે કહ્યું કે, માંડવીના ૯૧ વર્ષની વયના વડીલ ધનજીભાઇ રામજીભાઇ વેલાણી થોડા સમય પહેલા પડી ગયા હોવાથી થાપામાં ફ્રેકચર થયું હતું. શસ્ત્રક્રિયા વિના કોઈ ઉપાય નહોતો. અવસ્થાને કારણે ડાયાબિટીસ, હાઇબીપી અને ફેફસામાં તકલીફ હતી. નિકટના સબંધીઓ પણ ઓપરેશનનું નામ સાંભળી વિચલિત થયા. પરંતુ, એ વડીલે સંકલ્પ કરી લીધો કે, ‘૯૧ વર્ષ થયા છે. શરીર નબળું છે પણ મન મજબૂત છે. ઓપરેશન કરાવીશ અને ચાલતો પણ થઈશ.’
ડોકટર ગાગલે કહ્યું કે, ઓપરેશન સફળ થવું એ મોટી વાત નથી. પણ, વૃધ્ધ દાદા જે રીતે જાણતા હતા કે ચાલતો થઈ જ જઈશ. અને બીજા દિવસે ચાલતા થયા એ જોઈ ઓપરેશનમાં સહયોગ આપનારા તબીબોએ તેમના દ્રઢ મનોબળને મનોમન સલામ કરી. આ શસ્ત્રક્રિયામાં આસી. પ્રો. અને ઓર્થોપેડિક સર્જન ડો. ઉમંગ સંઘવી,રેસિ. ડો. દીપ પવાણી, ડો. દિશાન્ત મહેતા, ઈંટર્ન તબીબ ડો. સંજય ગરસિયા, ડો. આયુષી સેજપાલ તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો. જલદીપ પટેલ અને ડો. પૂજા ધામેચા સહિત નર્સિંગ ઇન્ચાર્જ સોના સિસ્ટર અને બલીરામ શર્મા સહયોગ આપ્યો હતો.
Leave a Reply