– વિદ્યાર્થીએ જુદી જુદી ITIમાં પ્રવેશ માટે નહી જવુ પડે
– ૫૬૦થી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે ઓનલાઈન જ ફાળવાશે
ધો.૧૦ પછીના આઈટીઆઈ અભ્યાસક્રમો ચલાવતી ગુજરાતની તમામ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માટે આ વર્ષથી હવે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જેમ કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.હાલ સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.આ વર્ષથી વિદ્યાર્થીએ હવે જુદી જુદી આઈટીઆઈમાં રૃબરૃ પ્રવેશ માટે જવુ નહી પડે.
ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવેલી રાજ્યની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિયુટ (આઈટીઆઈ)માં ધો.૧૦ પછીના રાષ્ટ્રીય કક્ષાના (એનસીવીટી) અને રાજ્ય કક્ષાના (જીએસવીટી) ૧૪૦થી વધુ વિવિધ રોજગારલક્ષી કોર્સીસ ચલાવવામા આવે છે.ગત વર્ષે આઈટીઆઈમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામા આવી હતી.એટલે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈટીઆઈમાં પ્રવેશ લેવો હોય ત્યાં રૃબરૃ જવુ પડતુ અને દરેક સંસ્થા માટે અલગ અલગ ૫૦-૫૦ રૃપિયાના ફોર્મ ભરવા પડતા હતા.પરંતુ આ વર્ષે હવે રાજ્ય સરકારના રોજગાર તાલીમ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લેવાયો છે.વિભાગ દ્વારા હાલ ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પોર્ટલ શરૃ કરીને રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવાયુ છે અને પ્રવેશ માહિતી પુસ્તિકા પણ જાહેર કરી દેવાઈ છે.આ અંગે રોજગાર અને તાલીમ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યુ કે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીને હવે જુદી જુદી આઈટીઆઈમાં ધક્કા ખાવા નહી પડે.એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મથી તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તક મળશે.હાલ રાજ્યમાં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ૫૮૫ જેટલી આઈટીઆઈ આવેલી છે.જેની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાથી ભરાશે.
અત્યાર સુધી આઈટીઆઈની માંડ એક લાખ જેટલી બેઠકો ભરાતી હતી પરંતુ હવે આ કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી બેઠકો વધુ ભરાશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીનો ધો.૧૦ના પરિણામના ડેટા પણ ઓનલાઈન જ ઓટોમેટિક સબમીટ થઈ જશે. આઈટીઆઈ અને કોર્સની પસંદગી માટે મોક રાઉન્ડ પણ કરાશે.ત્યારબાદ વિવિધ ઓનલાઈન એડમિશન રાઉન્ડ થશે.જેમાં વિદ્યાર્થીની પસંદગી અને મેરિટ મુજબ ઓનલાઈન બેઠક ફાળવાશે.
Leave a Reply