ખોટ કરતી હેલિકોપ્ટર સર્વિસ આપતી કંપની પવન હંસમાં સરકારનો 51 સ્ટાર9 મોબિલિટી રૂ. 211.14 કરોડમાં ખરીદશે. એર ઇન્ડિયાનું સફળતાપૂર્વક ટાટા ગ્રૂપને વેચાણ કર્યા બાદ હવે પવન હંસનું પણ વિનિવેશ સફળ થવાની આશા જાગી છે.
નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની હેલિકોપ્ટર સર્વિસ પ્રોવાઇડર પવન હંસમાં સરકારનો 51 ટકા હિસ્સો ખરીદવા માટે સ્ટાર9 મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ કરેલી સૌથી ઉંચી રૂ. 211.14 કરોડની બીડને મંજૂરી આપવામાં આવી છે, જે મેસર્સ બિગ ચાર્ટર, મહારાજા એવિએશન પ્રાઇવેટ લિમિટેડ અને અલ્માસ ગ્લોબલ ઓપર્ચ્યુનિટી ફંડ એસપીસીનું કોન્સોર્ટિયમ છે. આ બીડ હિસ્સો વેચવા માટે નક્કી કરાયેલી રૂ. 199.92 કરોડની રિઝર્વ પ્રાઇસ વધારે છે. પવન હંસને ખરીદવા માટે ત્રણ બીડ આવી હતી, જેમાં અન્ય બે બીડ અનુક્રમે રૂ. 181.05 કરોડ અને રૂ. 153.15 કરોડની હતી.
ખોટ કરી રહેલી પવન હંસ કંપની ઓએનજીસીની એક્સ્પ્લોરેશનના કામકાજ માટે હવાઇ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. હાલ પવન હંસમાં કેન્દ્ર સરકારનો 51 ટકા અને ઓએનજીસીનો 49 ટકા હિસ્સો છે. ઓઇલ કંપનીએ પણ સફળ બિડરને સરકાર દ્વારા સંમત થયા મુજબ સમાન ભાવ અને શરતો પર તેનું સંપૂર્ણ શેરહોલ્ડિંગ ઓફર કરવાનું નક્કી કર્યું છે. પવન હંસ સતત ત્રણ વર્ષથી ખોટ કરી રહી છે અને તેની ઓથોરાઇઝ્ડ કેપિટલ રૂ. 560 કરોડ તેમજ પેઇડ-અપ કેપિટલ રૂ. 557 કરોડ છે. કંપની પાસે 42 હેલિકોપ્ટરનો કાફલો છે જેમાંથી 41 કંપનીની પોતાની માલિકીના છે. ખોટી કરતી પવન હંસ કંપનીના વિનિવેશની શરૂઆત વર્ષ 2020માં શરૂ કરાઇ હતી જો કે કોરોના મહામારીના લીધે તેમાં વિલંબ થયો છે.
Leave a Reply