– છેવાડે રણ દ્વિપ વિસ્તારમાં આવેલા છે ભૂમિના વિવિધ સ્વરૂપો
– ડુંગરો વચાળે આવેલા પ્રાચીન સ્થળે નદીમાં જ્વાળામુખી ફાટ્યો હોવાની અનેક નિશાનીઓ આજે હયાત
ધોળાવીરા વિશ્વ વીરાસત જાહેર થતાં જ વૈશ્વિક ફલક પર તેની અગત્યતા લોકોને સમજાવા લાગી છે અને અનેક પ્રવાસીઓ ખડીર સુધી આવતા થયા છે પણ ખડીરની અન્ય વિશેષતાઓ ઉજાગર કરવાના પ્રયત્નો જોઇએ તેવા થતા નથી. ખડીરના ગઢડા ગામની ઉત્તર દિશાએ આવેલું ઝરધામ પણ જો વિકસાવાય તો પ્રવાસનસ્થળ બને તેમ છે.
ગઢડાથી ચાલીને બે કિલો મીટર અને વાહન દ્વારા ચાર કિલો મીટરના અંતરે હાડીભડંગનું બહુ પ્રાચિન સ્થાનક છે જ્યાં પાક પથ્થરોમાંથી ચોવીસે કલાક મીઠું પાણી વહે છે. એ જોતાં એનું નામ જળધામ હોઇ શકે પણ સ્થાનિકે તેને ઝરધામ તરીકે ઓળખાય છે. ચારે બાજુ પહાડોની વચ્ચે આવેલા આ સ્થળે પાળિયા ઉભા છે તે મેનહટના જમાનાના હોવાની શક્યતા છે. નદીમાં અનેક જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો હોવાની નિશાની જોવા મળે છે. જે તે વખતના પથ્થરો જાણે કે લાવામાં અલગ તરી આવતા હોય તેમ ખૂંપેલા જોવા મળે છે.
અહીં ભૂતિયાના નામથી ઓળખાતું ખેતર છે જેની ચારે બાજુ પથ્થરોની વિશાળ દીવાલ છે. સ્થાનિકોના કહેવા મુજબ આવું કામ કોઇ માનવ ન કરી શકે તેમ હોતાં ખેતરને ભૂતિયા તરીકે ઓળખાય છે. પચાસેક વર્ષ પહેલાં એક યોગીએ અહીં ચાલીસ ભર્યા હતા અને તેમણે આ સ્થાનકને તપોભૂમિ ગણાવ્યું હતું. હાડીભંગ અને શંકર ભગવાનના મંદિરની મહંત લાલનાથ સેવા પૂજા કરે છે.
ગાંડા બાવળના અતિક્રમણથી તપોવન નાશ પામ્યું
એક સમયે અહીં આંબલી, પીપળો, ખીજડો તેમજ નામ પણ જાણ્યા ન હોય તેવા ઘેઘૂર વૃક્ષોનું તપોવન હતું તેના પરથી ભૂતકાળમાં યોગીઓ તપ કરતા હશે તેમ મનાય છે પણ ગાડા બાવળનું અતિક્રમણ વધી જતાં આ તપોવન કાળક્રમે નાશ પામ્યું હોય તેમ જણાય છે. કુદરતી રીતે વહેતા ઝરણાને પણ ગાંડો બાવળ પી જતો હોઇ જ્યાં અડધો કિલો મીટર સુધી પાણી ભર્યું રહેતું ત્યાં હવે કાંકરા જોવા મળે છે.
પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લોકોની માગ
પક્ષીઓના કલરવ, આસપાસ ડુંગરો અને પ્રાકૃતિક શાંતિ ધરાવતા આ સ્થળે ગાંડા બાવળોને દૂર કરીને અન્ય વૃક્ષો વવાય તેવું સૂચન ગઢડાના આગેવાન ઇશ્વરનાથે કર્યું હતું. અહીંની જમીન એટલી ફળદ્રૂપ છે કે થોડા સમયમાં નંદનવન બની જાય તેમ છે. તંત્ર દ્વારા આ સ્થળને પ્રવાસન માટે વિકસાવાય તેમ ગઢડાના ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.
સ્થાનિકો અનેક ઉત્સવો ઉજવે છે
કોઇ સંશોધક દ્વારા સંશોધન હાથ ધરાય તો ડોક્ટરેટની ડિગ્રી મળે તેવા ઝરધામમાં સ્થાનિકો દ્વારા અવાર નવાર સંતવાણી અને સમૂહ પ્રસાદ ભોજન સહિતના કાર્યક્રમો યોજાય છે. લોકો ઝરને ગંગા માનતા હોય તેમ ખાસ કરીને ચૈત્ર મહિનામા અસ્થિ વિસર્જન માટે આવે છે. રળ્યા ખળ્યા યોગી પણ અહીં સાધના માટે આવતા રહે છે. ડુંગરોની વચ્ચેનું શાંત વાતાવરણ લોકોને આકર્ષે છે.
Leave a Reply