– ઉમરાને ચેન્નાઈ સુપર કિંગ્સ ઈનિંગ્સની 10મી ઓવરનો બીજો બોલ 154 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો
– ઉમરાને 4 ઓવરમાં 48 રન આપ્યા
– લોકી ફર્ગ્યુસન પણ રહી ગયો પાછળ
IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી રહેલા તોફાની બોલર ઉમરાન મલિકે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી છે. ઉમરાને IPLની 15મી સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેકીંને રેકોર્ડ પોતોના નામે બનાવ્યો છે. જમ્મુ કાશ્મીરના 22 વર્ષના ફાસ્ટ બોલરે 154 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો જે વર્તમાન IPLમાં અત્યાર સુધીનો સૌથી તેજ બોલ છે. ઉમરાને આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા ન્યુઝીલેન્ડના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન (Lockie Ferguson)નો રેકોર્ડ પણ તોડ્યો હતો.
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPLની 46મી મેચમાં ઉમરાન મલિકે 154 કિમી પ્રતિ કલાકની ઝડપે એક નહીં પરંતુ 2 વખત બોલ ફેંક્યો હતો. ઉમરાને ચેન્નાઈ સુપર કિંગ્સ ઈનિંગ્સની 10મી ઓવરનો બીજો બોલ 154 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે આ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
ઉમરાન અહીંથી અટક્યો નહતો.તેણે ઈનિંગ્સની 19મી ઓવરનો ત્રીજો બોલ પણ એ જ ઝડપે ફેંક્યો હતો. આ સમયે સ્ટ્રાઈક પર CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. ચેન્નાઈના વિકેટકીપર બેટ્સમેન ધોનીએ આ બોલને મિડ-ઓફ તરફ રમીને એક રન લીધો હતો. જોકે આ મેચમાં ઉમરાન મલિકને કોઈ સફળતા નહોતી મળી. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં કોઈ વિકેટ લીધા વિના 48 રન આપી દીધા હતા.
વર્તમાન IPLમાં ટોપ 5 બોલિંગ કેસમાં 4 ઉમરાનના નામ નોંધાયેલા છે. આ પહેલા IPL 2022માં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ લોકી ફર્ગ્યુસનના નામે હતો. તેણે આ સિઝનમાં 153.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ઉમરાને CSK સામેની મેચ પહેલા આ સિઝનમાં 153.3, 153.1 અને 152.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
Leave a Reply