– એલન મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદવાનો સોદો ટેસ્લાને ફળ્યો નહી
– ટ્વિટરને ખરીદવા માટે નાણાં ઉભા કરવા મસ્ક ટેસ્લાનો હિસ્સો ગીરવે મૂકશે અથવા વેચશે તેવી આશંકાએ કંપનીના શેરમાં કડાકો
– માર્કેટકેપમાં ટ્વિટરની ડીલ કરતા ત્રણ ગણું ધોવાણ
વિશ્વના સૌથી મોટા ધનિક એલન મસ્કએ કરેલ ૪૪ અબજ ડોલરમાં સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરને ટેકઓવર કરી છે જો કે આ સોદો ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાને ફળ્યો નથી. ટેસ્લાના શેરમાં બુધવારે ૧૨ ટકાનો કડાકો બોલાતા ટેસ્લાની માર્કેટકેપમાં અધધધ… ૧૨૬ અબજ ડોલરનું ધોવાણ થયુ છે જે ટ્વિટરને ખરીદવા ચૂકવેલ રકમ કરતા ત્રણ ગણું છે.
એલન મસ્કે ટ્વિટરમાં રોકડમાં ખરીદવાની ઓફર કરતા બજાર નિષ્ણાંતોએ આશંકા વ્યકત કરી હતી કે એલન મસ્કે ટ્વિટર માટે ચૂકવણી કરવા ટેસ્લાના શેર વેચી શકે છે અથવા તો ગીરવે મુકી શકે છે. બેંક લોન માટે પણ તેઓ ગેરન્ટી તરીકે ટેસ્લાના શેર આપી શકે છે તેવી આશંકાને પગલે ટેસ્લના શેરમાં મસમોટો કડાકો જોવા મળી રહ્યો છે.
મસ્ક શેર વેચશે તેવી આશંકાને પગલે અમેરિકન બજારમાં બુધવારે ટેસ્લાનો શેર ૧૨% ગગડયો હતો. ગઈકાલના કડાકને પગલે ટેસ્લાની માર્કેટ કેપિટલમાં ૧૨૬ અબજ ડોલરનો ઘટાડો માત્ર એક જ દિવસમાં નોંધાયો છે. આંકડાકીય રમત જોઈએ તો મસ્કની સ્થાપિત કરેલ કંપની ટેસ્લાના બજાર મૂલ્યમાં એક જ દિવસમાં આવેલો ઘટાડો મસ્કના નવા હસ્તાંતરણ ટ્વિટરને ચૂકવવાના થતા ૪૪ અબજ ડોલર કરતા ત્રણ ગણાં છે.
એક જ દિવસમાં ટેસ્લાએ ટ્વિટર કરતા ૩ ગણી સંપત્તિ ગુમાવી છે એટલું જ નથી ટ્વિટરમાં મસ્કે પ્રથમ વખત જ્યારે હિસ્સો ખરીદ્યો ત્યારથી ૨૩%નો કડાકો ટેસ્લાના શેરમાં જોવા મળ્યો છે. ૪ એપ્રિલે ટ્વિટરમાં એલન મસ્કે ૯.૨% હિસ્સેદારી ખરીદી હતિ. મસ્કે રિવોકેબલ ટ્રસ્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરમાં ૭૩૪,૮૬,૯૩૮ શેર ખરીદ્યા હતા.
ત્યારબાદ ટેસ્લાના શેરમાં ૨૩%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે જેમાં રોકાણકારોના ૨૭૫ અબજ ડોલર ધોવાયા છે.
Leave a Reply