ટેસ્લાના પ્રમોટર અને વિશ્વના સૌથી મોટા ધનકુબેર એલન મસ્કની ટ્વિટર માટે પ્રતિ શેર 54.20 ડોલરની ઓફરને ટ્વિટરના બોર્ડે સ્વીકારી લીધી છે. મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદીને તેને ખાનગી કરવાની ઓફરને બેસ્ટ અને ફાઈનલ ડીલ કહી હતી. જોકે આજે ગડકરીએ ટેસ્લાને કહ્યું કે ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં સપ્લાય કરો એ પણ ગ્રાહ્ય નથી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર એલોન મસ્કની ટેસ્લા કંપનીને સલાહ આપી છે. નીતિન ગડકરીએ કહ્યું કે ટેસ્લા ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. અહીં કાર બનાવવા અને અહીંથી નિકાસ કરવા માટે અમે તેમનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તેમણે ભારતમાં વેચવા માટે ચીનથી કાર આયાત કરવી જોઈએ નહીં.
રાયસીના ડાયલોગ 2022માં નીતિન ગડકરીએ કહ્યું હતું કે “ચીનમાં બનાવવું અને અહીં વેચાણ કરવું એ સારો પ્રસ્તાવ નથી.” એટલેકે ભારતે આડકતરી રીતે મસ્કને કહી દીધું કે ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ આ ‘બેસ્ટ ડીલ’ નથી, ‘ફાઈનલ ડીલ’ કઈંક અલગ આપો.
અત્રે ઉલ્લેખનીય છે કે ટેસ્લાના વડા એલોન મસ્કે ફરિયાદ કરી હતી કે ભારતમાં ટેક્સના દર વિશ્વમાં સૌથી વધુ છે તેથી ભારતમાં પ્રવેશમાં અમને અડચણ આવી રહી છે. દેશના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં ટેસ્લાને ભારતમાં ચાર મોડલનું ઉત્પાદન અથવા આયાત કરવાની મંજૂરી મળી હતી.
ટેસ્લા યુએસ અને ચીનની ફેક્ટરીઓમાં કારનું ઉત્પાદન કરે છે. તે જર્મનીમાં નવા પ્લાન્ટ માટે અંતિમ મંજૂરીની પણ રાહ જોઈ રહ્યું છે.
ટેસ્લા ભારતમાં તેના ઈલેક્ટ્રિક વાહનોની આયાત અને વેચાણ કરવા માટે ઉત્સુક છે. કંપનીએ ટેરિફમાં ઘટાડો કરવા માટે મોદી સરકારને અનુરોધ પણ કર્યો છે. જોકે હજી સરકાર અને મસ્ક વચ્ચે કોઈ સહમતિ નથી સધાઈ કારણકે ટેસ્લાએ ભારતમાં તેની કોઈ રોકાણ હજી જાહેર કરી નથી. ભારત સરકાર ઈચ્છે છે કે ટેસ્લાની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમ પર આધારિત હોય જેનાથી દેશમાં ઉત્પાદન અને રોજગાર સર્જન થાય. જોકે ઉંચા ટેક્સને કારણે મસ્ક ખચકાટ અનુભવી રહ્યાં છે.
Leave a Reply