– ૨૫મી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ
– અદાણી મેડિકલ કોલેજના ડીને WHOના ડાયરેક્ટર જનરલને ટાંકીને આપ્યો નિર્દેશ
– આફ્રિકામાં ચાલતા પાયલોટ પ્રોજેકટને સફળતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને(WHO) મેલેરિયાના ઈલાજ માટે દુનિયામાં પ્રથમ વખત વેક્સિનની ભલામણ કરી મંજૂરી આપી હોવાનો નિર્દેશ અદાણી મેડિકલ કોલેજના ડિન ડો. એ.એન.ઘોષે WHOના ડાયરેટર જનરલને ટાંકીને ૨૫મી એપ્રિલે ઉજવાતા વિશ્વ મેલેરિયા દિવસના અનુસંધાને આપ્યો છે.
મેડિકલ કોલેજના ડિને કહ્યું કે, WHOએ મેલેરિયા વેક્સિન RTS,S/ASOIની મંજૂરી આપી છે. આફ્રિકાના દેશોમાં ચાલતા મેલેરિયા વિરોધી પાયલોટ પ્રોજેક્ટના અંતે ઊંડાણપૂર્વક સમીક્ષા કરી આ ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકાના ઘાના, કેન્યા અને માલવીમાં ૨૦૧૯થી જુદી જુદી ફાર્મા કંપનીના સહયોગથી શરૂ થયેલા આ પાયલોટ પ્રોજેકટમાં બે મિલિયનથી વધુ ડોઝ અપાયા બાદ મળેલા પ્રોત્સાહક પરિણામો પછી જ રસી માટે નિર્ણય લેવાયો હતો.
આ પ્રકારે મેલેરિયા વેક્સિન માટે એક નવી દિશા ખૂલી ગઈ છે. અને આ ઐતિહાસિક ક્ષણ છે. અને આ વેક્સિનથી દર વર્ષે વિશ્વમાં હજારો લાખોની સંખ્યામાં બાળકો સહિતના લોકોને મૃત્યુના મુખમથી બચાવી શકાશે. જો કે, આ રસી અત્યારે ભારતમાં ઉપલબ્ધ નથી. માત્ર આફ્રિકાના દેશોમાં જ પાયલોટ પ્રોજેકટ ચાલે છે. ત્યાં ઉપલબ્ધ છે.
ડીન ઉપરાંત અદાણી મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજી વિભાગના પ્રો.અને ડો. એન.એન.ઘોષે વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના ડિરેક્ટર જનરલ ડો.ટેડ્રોસને ટાંકીને વધુમાં કહ્યું કે, વિશ્વમાં જ્યાં સૌથી વધુ મેલેરિયાનો પ્રકોપ છે. અને ફાલ્સીપેરમથી વધુ મૃત્યુ થાય છે. તેવા આફ્રિકાના સહારાના રણ વિસ્તારમાં ઘાના, કેન્યા અને માલવીના ૮ લાખથી વધુ બાળકો ઉપર આ રસીનો પ્રયોગ કર્યા બાદ સુંદર પરિણામો પ્રાપ્ત થયા છે.
વિશ્વમાં ચાલતી આ મેલેરિયા રસી અમલીકરણ પ્રક્રિયા અંતર્ગત યુનિસેફ, પાથ, જી.એસ.કે. જેવી ફાર્મા કંપનીનો સહયોગ મળ્યો હતો. આ રસી વ્યવહારક્ષમ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે(ફિઝિબલ) છે. સલામત છે. અને તેની કોઈ હજુ સુધી નકારાત્મક અસર જોવા નથી મળી, એક અંદાજ મુજબ જ્યાં મેલેરિયાનું પ્રમાણ વધુ છે. તે વિસ્તારમાં આર્થિક રીતે પરવળી શકે તેવી છે. (કોસ્ટ ઇફેક્ટિવ) આમ તો, છેલ્લા ૩૦ વર્ષથી રસી શોધવાના પ્રયાસો થઈ રહ્યા હતા. તેમ છ્તા હજુ લાંબી મઝલ કાપવાની છે. વાસ્તવમાં આ એક મોટો પડકાર હતો.એમ ડો.એ.એન.ઘોષે ઉમેર્યું હતું.
Leave a Reply