મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને હવે ખાદ્યતેલોના ભાવમાં થનાર ભડકાંથી દાઝશે. ભારતીયો હવે ખાદ્યતેલોની વધારે ઉંચી કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવુ પડશે. કારણ કે ઇન્ડોનેશિયાએ પામતેલની નિકાસ પણ પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી છે.
રશિયા-યુક્રેનના યુદ્ધથી સનફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે તેમજ દુનિયાભરમાં વિવિધ ખાદ્યતેલની કિંમત વિક્રમી સપાટી કે તેની નજીક પહોંચી ગઇ છે એવા કટોકટીના સમયે ઈન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના આ નિર્ણયથી ભારતને સૌથી વધારે પ્રતિકુળ અસર થશે. ભારત પોતાની કુલ પામતેલ આયાતમાંથી 60 ટકા ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે. ઇન્ડોનેશિયાના નિકાસ પ્રતિબંધથી પામતેલ સહિત વિવિધ ખાદ્યતેલોની કિંમતમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે.
જો ઈન્ડોનેશિયા ખાદ્યતેલની નિકાસ બંધ કરતા ભારત અને અન્ય દેશો માટે મલેશિયા એકમાત્ર સ્ત્રોત રહે છે. આથી વૈશ્વિક બજારમાં પામતેલના ભાવ નવા ઉંચી સપાટીએ પહોંચી શકે છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટપતિ જોકો વિડોડોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે 28 એપ્રિલથી વિશ્વના કોઈપણ બજાર માટે ખાદ્યતેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કરે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્થનિક બજારમાં તેલનો પુરતો પુરવઠો જળવાઇ રહે અને પ્રજાને સસ્તું તેલ મળે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.
નોંધનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતના 50થી 60 ટકા ખાદ્યતેલની આયાત કરે છે. આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે 130-150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.
પામતેલના ભાવ વધવાના મુખ્ય કારણો
ઇન્ડોનેશિયા પામતેલનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ હોવા છતાં તેને ત્યાં આ ખાદ્યતેલની ગંભીર અછત સર્જાઇ છે. આ સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિક વેપારી સંગઠનોએ તેની નિકાસ પર ભાવ નિયંત્રણ અને કડક અંકુશો લાદવાની માંગ કરી હતી. પામતેલનું સંકટ ઉભુ થવા પાછળ મુખ્ય ત્રણ કારણો છે.
રશિયા-યુક્રેનનું યુદ્ધ
જો ભોજન બનાવવા માટે વપરાતા ખાદ્યતેલોની વાત કહીયે તો દુનિયામાં સૌથી વધારે સનફ્લાવર તેલ અને સોયાતેલનો ઉપયોગ થાય છે જેનું સૌથી વધારે ઉત્પાદન રશિયા-યુક્રેનમાં થાય છે. આ બંને દેશો વૈશ્વિક બજારના લગભગ 80 ટકા જથ્થાનું ઉત્પાદન કરે છે, પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા બંને દેશોમાંથી સપ્લાય અટકી જવાના પરિણામસ્વરૂપે સનફ્લાવર અને સોયાતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. સપ્લાયમાં વિક્ષેપ અને ભાવ વધતા આયાતકારો પામતેલ તરફ ફંટાયા હતા. જેના કારણે ઇન્ડોનેશિયામાં પામતેલનું સંકટ સર્જાયુ છે.
દક્ષિણ અમેરિકામાંથી સોયાતેલની ઓછી સપ્લાય
પામતેલનુ સંકટ ઉભુ થવાનું બીજી કારણ દક્ષિણ અમેરિકામાંથી સોયાતેલની મર્યાદિત સપ્લાય છે. હકીકતમાં દક્ષિણ અમેરિકામાં શુષ્ક હવામાનને કારણે સોયાતેલની સપ્લાય પર માઠી અસર થઇ છે. અમેરિકાના કૃષિ વિભાગે વર્ષ 2021-22માં બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરુગ્વેનુ સંયુક્ત સોયાબીનનું ઉત્પાદન 9.4 ટકા ઘટવાની આગાહી કરી છે, જે છેલ્લા છ વર્ષનો સૌથી ઓછો પાક હશે. આમ સનફ્લાવર તેલ અને સોયા તેલની અછત સર્જાવાથી પામતેલની માંગ તેના ઉત્પાદન કરતા વધારે રહી છે.
બાયોડિઝલ તરીકે વપરાશ
ઇન્ડોનેશિયાની સરકારે વર્ષ 2020માં અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડવાના હેતુસર ડીઝલની સાથે પામતેલનું 30 ટકા બ્લેન્ડિંગ ફરજિયાત બનાવ્યુ છે. આથી ઇંધણમાં મોટા જથ્થામાં પામતેલનો વપરાશ થઇ રહ્યો છે આથી તેની પામતેલની સ્થાનિક વપરાશ 171 લાખ ટન રહેવાનો અંદાજ છે, જેમાંથી 75 લાખ ટન જથ્થો બાયો-ડીઝલ માટે અને બાકીને 96 લાખ ટન જથ્થો સ્થાનિક અને અન્ય હેતુઓ માટે વપરાશે. નિષ્ણાંતોનું કહેવુ છે કે, પામતેલનો ઝડપથી બાયો ડીઝલની માટે ડાયવર્ટ કરવામાં આવી રહ્યુ છે, જ્યારે ભોજન બનાવવા માટેના અન્ય ખાદ્યતેલોની સપ્લાય પણ મર્યાદિત છે આથી સંપૂર્ણ ભાર હવે પામતેલ પર આવી ગયો છે.
ભારતીય કુંટુંબોના રસોડાનું બજેટ બગડ્યુ…
સમગ્ર દુનિયામાં ભારતમાં સૌથી વધારે ખાદ્યતેલનો વપરાશ થાય છે અને 60 ટકા જેટલી જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે. ભારત દર વર્ષે 140થી 150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે જેમાંથી અડધાથી વધારે પામતેલ (80થી 90 લાખ ટન) અને ત્યારબાદ સોયાતેલ (30થી 35 લાખ ટન), સનફ્લાવર ઓઇલ (25 લાખ ટન) હોય છે. ભારત માટે ઇન્ડોનેશિયા પામતેલનું સૌથી મોટું સપ્લાયર હતુ પરંતુ વર્ષ 2021-22માં મલેશિયા આગળ નીકળી ગયુ હતુ. ઇન્ડોનેશિયાની સરકારે નિકાસકારો માટે સ્થાનિક બજારમાં ફરજિયાત 30 ટકા વેચાણની ફરજ પાડવાની સાથે સાથે પામતેલના રિટેલ ભાવ પરની મર્યાદા નાબૂદ કરી છે. તે જ સમયે તેણે નિકાસ પર એક પ્રોગ્રેસિવ ટેક્સ લાદ્યો, જેને સીપીઓની માટે રેફરન્સ પ્રાઇસ સ્વરૂપે જોડાયુ હતુ. ઇન્ડોનેશિયા પામતેલનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ હોવાથી ત્યાં સર્જાયેલા સંકટની અસર ભારતને પણ થશે. ભારતે ઉંચા ભાવે ખાદ્યતેલ આયાત કરવાની ફરજ પડશે જેના પરિણામસ્વરૂપ ભારતીય કુટુંબોના બજેટનું બજેટ અસ્તવ્યસ્ત થઇ જશે.
Leave a Reply