– નાના અંગિયા અને નખત્રાણાના 35 જેટલા નવયુવાનોનો સેવાયજ્ઞ
– છેલ્લા એક માસમાં 100 મણ લીલો ચારો, 500 ચકલી ઘર અને 200 પાણીના કુંડાનું વિતરણ
– ગૌ સેવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી દાન એકત્ર કરાયું હતું
નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને નખત્રાણાના 35 જેટલા નવયુવાનોએ મૂંગા અને અબોલ પશુઓ માટે જીવદયાનું કાર્ય કરવા ઉમિયા ગ્રુપ બનાવી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. સદકાર્યો કરવાનું બીડું ઝડપી ઉમિયા ગ્રુપ દ્વારા છેલ્લા એક માસ દરમિયાન ગાયોને 100 મણ લીલો ચારો, 500 પક્ષી ઘર અને 200 જેટલા પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ માટે ઉમિયા ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી દાન એકત્ર કરે છે. જેની તમામ આવક ગૌ સેવાના લાભાર્થે ખર્ચ કરવામાં આવે છે.
ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંતર્ગત મળેલી દાનની રકમ અલગ અલગ જગ્યાએ દાન કરવામાં આવી હતી. જેમાંથી 100 મણ જેટલો લીલા ઘાસચારાનું નિરણ નાખવામાં આવ્યુ હતું. આગામી સમયમાં વધુ 400 મણ ચારો નાખવામાં આવશે. વિવિધ ધાર્મિક અને સામાજિક સ્થળ, આસપાસની શાળાઓ તેમજ અન્ય જગ્યાએ અત્યાર સુધીમાં 500 જેટલા પક્ષી ઘર અને 200 જેટલા પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હોવાનું નાના અંગિયાના ગ્રુપ સભ્ય શરદ પોકારે જણાવ્યું હતું.
Leave a Reply