– અદાણી ફાઉન્ડેશને મુંદ્રામાં 7 ગામના 51 ખેડૂતો દ્વારા ગાય આધારિત ખેતી કરાવવાનું શરૂ કર્યુ છે
– નજીકના ભવિષ્યમાં 5000 ખેડૂતોને ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
– પ્રાકૃતિક ખેતીથી લોકોને શુદ્ધ-સાત્વિક અન્ન મળવાની સાથે જમીનની ફળદ્રુપતા અને ગૌવંશનું સંવર્ધન પણ થશે
આધુનિક યુગમાં રસાયણિક ખાતરમુક્ત આહાર મેળવવો એ માનવ માત્ર માટે સૌથી મોટો પડકાર છે. અનાજનું મબલખ ઉત્પાદન મેળવવા જમીનમાં રસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી તેમાં ઝેરી તત્વો ભળી રહ્યા છે, અને એવો ખોરાક લેવાથી લોકોમાં વિવિધ પ્રકારના રોગો ઘર કરી રહ્યા છે. અકાળે વૃદ્ધત્વ અને કેન્સર જેવી બિમારીઓ રાસાયણિક ખાતરની જ દેન છે. આવી પડકારજનક પરિસ્થિતીનો સામનો કરવા અદાણી ફાઉન્ડેશને પહેલ કરી છે. સંસ્થાએ સૌપ્રથમ મુંદ્રામાં ગૌવંશ આધારિત ખેતી કરાવવાનું શરૂ કર્યુ છે. આ પ્રાકૃતિક ખેતીથી લોકોને શુદ્ધ-સાત્વિક અન્ન મળવાની સાથે જમીનની ફળદ્રુપતા અને ગૌવંશનું સંવર્ધન પણ થશે.
આપણે સૌ જાણીએ છીએ કે, અન્નના ઉત્પાદન માટે જમીન સિવાય અન્ય કોઈ સ્ત્રોત નથી. જમીન જેટલી મજબૂત અને ફળદ્રુપ હશે એટલું જ ઉત્પાદન વધશે. જમીનને વધુ ઉપજાઉ બનાવવા માટેનું દેશી ખાતર ગૌમૂત્ર-ગાયનું છાણ, અને વનસ્પતિઓની ડાળ-પાન વગેરેના સડવાથી મળે છે. જો આ કુદરતી ચક્રમાં ખલેલ પહોચાડવામાં ન આવે તો જમીનની ફળદ્રુપતા આપોઆપ જળવાઈ રહે છે, પરંતુ વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં જમીનમાં રાસાયણિક ખાતર અને દવાઓના આડેધડ છંટકાવના કારણે આપણી સોના જેવી જમીનની અવદશા થઈ છે.
અદાણી ફાઉન્ડેશને મુંદ્રામાં 7 ગામના 51 ખેડૂતો દ્વારા ગાય આધારિત ખેતી કરાવવાનું શરૂ કર્યુ છે. ખેડૂતો પોતાના ઘરઆંગણે જ બે પ્રકારના ખાતરો ઉત્પન્ન કરી ગાય આધારિત ખેતી કરી શકે છે. એક જીવામૃત અને બીજુ ઘનજીવામૃત. એક દેશી ગાયથી 30 એકર જમીનમાં જીવામૃત ખેતી કરી શકાય છે, જ્યારે સજીવ ખેતીમાં 30 ગાયોથી એક એકર જમીનમાં ખેતી થઈ શકે છે. વળી તે બનાવવા માટેની રીત પણ સરળ છે.
જીવામૃત બનાવવા 200 લિટરની ક્ષમતા ધરાવતા પ્લાસ્ટિકના પીપમાં 180 લિટર પાણી ભરી, તેને ઝાડના છાંયડામાં રાખવામાં આવે છે. એક દેશી ગાય જે દિવસમાં 10 કિ.ગ્રા. જેટલું છાણ અને 9-10 લિટર ગૌમુત્ર આપે છે તેને એકત્રિત કરી રાખવામાં આવે છે. 1 કી.ગ્રા. દેશી ગોળ, 1 કી.ગ્રા. કોઈપણ કઠોળ- દાળનો લોટ, શેઢે પાળે આવેલ મોટા ઝાડ નીચે 500 ગ્રામ માટી આ પાંચ વસ્તુઓ પીપમાં નાખીને બરાબર મિશ્રણ કરવા લાકડીથી સવાર-સાંજ માત્ર પાંચ-પાંચ મિનીટ ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે. ત્રણ ચાર દિવસમાં જ આ પ્રક્રિયાથી એક એકર જમીન માટેનું ખાતર તૈયાર થઈ જાય છે. 30 દિવસમાં 30 એકર જમીનનું ખાતર તૈયાર થઈ જાય છે.
બીજું ખાતર છે, ઘનજીવામૃત જેમાં 100 કી.ગ્રા. દેશી ગાયના છાણને સૂકવી તેનો ઝીણો ભુક્કો બનાવી ચોવીસ કલાક ગૌમુત્ર, ગોળ,ચણાનો લોટ અને માટી બરાબર મિશ્રણ કરી ઘરના એક ખૂણામાં ઢાંકીને રાખવામાં આવે છે. આ ખાતરનો ઉપયોગ 6-7 મહિના બાદ યુરિયાની જેમ કરી શકાય છે. આ પ્રકારનું ખાતર એક એકર જમીનમાં 7,00,000 અળસિયા રાત-દિવસ કામ કરી જમીનને સમૃદ્ધ બનાવશે.
અદાણી ફાઉન્ડેશનના પ્રયાસોથી ખેડૂતોને ત્યાં મોડેલ ફાર્મ બનાવી સંપૂર્ણ ગાય આધારિત ખેતી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા વપરાતા જીવામૃત થકી જમીનમાં જીવાણુ અને અળસિયાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટનો વિસ્તાર કરવા નજીકના ભવિષ્યમાં 5000 ખેડૂતોને ગાય આધારિત ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ગૌવંશ આધારિત ખેતીને પ્રોત્સાહન આપતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિબેન અદાણીએ સ્વયં એક મોટી પહેલ કરી છે. તેઓ દેશી ગાયના છાણથી ઉત્પન્ન બાયોગેસથી રસોઈ બનાવે છે, ગાયનું દૂધ પીવે છે અને ગૌ-આધારિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે.
ખેતી લાયક જમીનને વધુ ફળદ્રુપ બનાવવા રસાયણિક ખાતર કરતાં ગૌમૂત્ર અને ગાયનું ખાતર સર્વશ્રેષ્ઠ છે. ગાયના આરોગ્ય વિજ્ઞાન સમર્થિત ઔષધિય ગુણોને પરથી તેને “અમૃત કળશ“ સમાન ગણવામાં આવે છે. ધરતીપુત્રો માત્ર એટલું જ નક્કી કરે કે મારી વાડીને મારે ઝેર નથી આપવું, આ મક્કમ નિર્ણય આમૂલ પરિવર્તન માટે પૂરતો છે.
APSEZ ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઈ શાહ જણાવે છે કે “ખેડૂતોને સાચી દિશા અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેમજ તેઓ આર્થિક સહયોગ મેળવી સ્વમાનભેર ખેતી કરે અમે તેવા પ્રયત્નો કરીએ છીએ”.
ફાઉન્ડેશનની આ પહેલ દ્વારા રસાયણીક ખાતર અને દવાઓથી થતી ઉપજાઉ ભૂમિની બરબાદી અટકશે તેમજ ગાય આધારિત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા થશે. ગાયનું છાણ-ગૌમુત્ર જમીનને જીવંત રાખવાનું કામ કરે છે.
અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર વી.એસ. ગઢવી જણાવે છે કે ”ખેડૂતો સંગઠિત થાય અને સાથે મળીને ખેતીમાં જરૂરી ઈનપુટ અને ખેત ઉત્પાદનોનું બજાર વ્યવસ્થાપન ગોઠવી શકે તો જ તેમને ખેતી પોસાશે. આ માટે અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપની પણ ઊભી કરવામાં આવી છે. જેમાં ખેડૂતો પોતે જ સમગ્ર વ્યવસ્થાપન કરશે, અને જરૂર પડયે અમો તેમને માર્ગદર્શન આપી આગળ વધારીશું.
અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ જણાવે છે કે “ખેતી કરવા માટે ડિગ્રી કરતા દિલની વધારે જરૂર છે. જો આપણે સરળ બાબતો નહીં અપનાવીએ તો ઘાતક પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે, જે પોસાશે નહીં. ખેડૂત જો પોતાની જમીન જીવંત રાખે અને ઝેરી ખાતરમુકત ખોરાક તૈયાર કરે તો સમાજ સ્વસ્થ અને નિરોગી રહેશે”.
જમીનની ફળદ્રુપતા માટે દેશી ગાય એક ઉપાય
પ્રાકૃતિક ખેતીના પ્રણેતા કૃષિઋષિ ડૉ. સુભાષ પાલેકરજીએ ભારતીય ગાય ઉપર કરેલા અનેક પરિક્ષણો બાદ તારણ કાઢ્યું કે ગાયના એક ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ જીવાણુઓ હોય છે. જે જમીનને જીવંત રાખી તેની ફળદ્રુપતામાં વધારો કરે છે. જે દેશી ગાય દૂજણી નથી તેના છાણમાં જીવાણુઓની સંખ્યા સૌથી વધુ હોય છે. આમ ગાય આધારિત ખેતી ખાતર દ્વારા જમીનને સંપૂર્ણ ખોરાક આપશે અને ગાયનું દૂધ લોકોને સંપૂર્ણ આહાર પૂરો પાડશે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌવંશ, જમીન અને માનવમાત્રના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ એક અનોખી પહેલ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ સાચી ખેતી પદ્ધતિ છે, જે ખવડાવનાર અને ખાનાર બંને ઘરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બનશે. ગાય સાચા અર્થમાં ખેડૂતોની ભાગ્ય વિધાતા છે અને ગૌવંશ આધારિત ખેતી મનુષ્યો માટે સંજીવની છે.
Leave a Reply