– ૧૯મી એપ્રિલ વિશ્વ લિવર(યકૃત)ડે
– જંકફૂડ અને આલ્કોહોલના વધુ સેવનથી લિવર ખરાબ થવાની મેડિકલ વિભાગની તાકીદ
કચ્છના જનજીવન ઉપર અને ખાસ કરીને યુવાનોમાં અનેકવિધ કારણોસર લિવરના(યકૃત) જુદા જુદા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રોજેરોજ એકાદ-બે કેસ લિવરને લગતા જોવા મળે છે, ત્યારે ૧૯મી એપ્રિલના દિવસે ઉજવાતા વિશ્વ લીવર-ડે નિમિત્તે હોસ્પિટલના મેડિસિન વિભાગે જંકફૂડ અને આલ્કોહોલના વધુ સેવન અને (લાઈફ સ્ટાઈલ) જીવન પધ્ધતિ ને સુધારવા તાકીદ કરી છે.
અદાણી મેડિકલ કોલેજના આસી. પ્રો. અને હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબ ડો. જયંતી સથવારાએ જણાવ્યુ હતું કે, યકૃત પાચનતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જો તેમાં દૂષિત ખાણી-પીણીથી ખોટીપો થાય તો પાચન પ્રક્રિયા તહસ-નહસ થઈ જાય છે.
યકૃતમાં ખલેલ થવાનું કારણ બિનઆરોગ્યપ્રદ ખાન-પાન જવાબદાર છે. જેમાં સૌથી મોટું કારણ આલ્કોહોલ છે. જેના સેવનથી આગળ જતાં સીરોસિસ ઓફ લીવર જેવો રોગ થાય છે. ઉપરાંત જંકફૂડના વધતાં જતાં ખોરાકથી યુવાનોમાં ફેટી લિવર માટે સ્ટ્રેસ પણ જવાબદાર હોવાનું તબીબે જણાવ્યુ હતું. અને એક વખત લીવર ખરાબ થાય તો હ્રદયરોગ, કિડની અને ડાયાબિટીસ જેવા રોગ થાય છે. પેટમાં પણ પાણી ભરાય છે.
ડો. સથવારાએ કહ્યું કે, જી.કે ખાતે પેટમાં પાણી ભરાઈ જવાના કેસોની સારવાર ૧૫-૨૦ દિવસે થાય જ છે. તેમજ ફેટી લિવરના કેસ તો રોજ એકાદ-બે હોય છે. રૂટિન ચેક-અપ ઉપરાંત શરૂઆતમાં વિશેષ લક્ષણો જોવા નથી મળતા. પણ આગળ જતાં પેટના જમણા ભાગમાં સોજો આવે છે. જે આગળ જતાં ખતરનાક પુરવાર થાય છે. લીવર ફેઇલ થાય છે. જે ડોનર હોય તો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને ખર્ચાળ પધ્ધતિ છે. તેથી યકૃતના ભયાનક રોગથી બચવા જંકફુડના વધુ સેવન અને આલ્કોહોલથી દૂર રહેવાની ચેતવણી આ વિભાગે આપી છે.
Leave a Reply