માર્ચ મહિનામાં દુનિયાભરના ઉભરતા બજારોના સ્ટોક્સ અને બોન્ડ્સમાંથી 9.8 અબજ ડોલરનો આઉટફ્લો નોંધાયો છે, જે છેલ્લા 12 મહિનાનો પહેલો આઉટફ્લો છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ, યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ, ક્રૂડ ઓઇલ, મેટલ, અનાજના ભાવમાં અતિશય ઉછાળાના પરિણામે ફુગાવો વધવાની આશંકાઓના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની કોરોના મહામારીમાંથી રિકવરીની ગતિ ધીમી પડવાની દહેશત જવાબદાર છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સના આંકડા અનુસાર ગત ફેબ્રુઆરી મહિનામાં ઇમર્જિંગ માર્કેટ્સમાં આશરે 17.6 અબજ ડોલર અને જાન્યુઆરીમાં લગભગ 1.1 અબજ ડોલરનો ઇનફ્લો નોંધાયો હતો.
સંસ્થાના માસિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, કેલેન્ડર વર્ષ 2022નો પ્રથમ ત્રિમાસિક ગાળો ઇમર્જિંગ માર્કેટ માટે વિદેશી રોકાણકારોની વેચવાલી લીધે પીડાદાયક રહ્યો છે, જેમાં માર્ચ મહિનામાં સૌથી વધારે આઉટફ્લો ચીનમાં જોવા મળ્યો છે.
ગત મહિને વિદેશી રોકાણકારો ચીનના બોન્ડ માર્કેટમાંથી 11.2 અબજ ડોલર અને ઇક્વિટી માર્કેટમાંથી 6.3 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યુ છે, જ્યારે ચીન સિવાયના અન્ય ઉભરતા બજારોના ડેટ સેગમેન્ટમાં 8.2 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યુ છે જ્યારે ઇક્વિટી સેગમેન્ટમાં 40 કરોડ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો છે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) ક્ષેત્ર જેમાં અમેરિકા, યુકે, જાપાન અને ઓસ્ટ્રેસિયા સામેલ છે, ત્યાં ફુગાવો ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 7.7 ટકા વધીને વર્ષ 1990 પછીની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલની વધતી કિંમતોના લીધે આ સમૂહના દેશો પર મોંઘવારીનું દબાણ વધ્યુ છે તેમાં ખાદ્યાન્નની વધતી કિંમતોએ પરિસ્થિતિને વધુ વણસાવી દીધી છે.
Leave a Reply