– ૬ઠ્ઠી એપ્રિલ ‘વિશ્વ સ્કિન હેલ્થ ડે’
– વ્યક્તિને કુદરતે આપેલો ત્વચાનો રંગ જ સુંદર હોય છે
– જેને ફેરનેસ ક્રિમ દ્વારા ગોરી બનાવવા જતાં ચામડીને નુકસાન પહોંચી શકે
૬ઠ્ઠી એપ્રિલના દિવસે વૈશ્વિક ક્ષેત્રે ચામડીના આરોગ્યની સંભાળ(વર્લ્ડ સ્કિન હેલ્થ ડે)ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચામડી રોગના તબીબોએ ચર્મરોગ નિષ્ણાંતો(ડર્મીટોલોજિસ્ટ)ની સલાહને અનુસરીને જ સારવાર લેવા જણાવી ઉમેર્યું કે, કુદરતે વ્યકતિને આપેલો અસલ રંગ જ સુંદર છે. અને તેને ફેરનેસ ક્રીમ દ્વારા ગોરી બનાવવાની ઘેલછાને બદલે કુદરતી ત્વચા જાળવી રાખવાનો અનુરોધ કર્યો હતો.
જી.કે. જનરલ હોસ્પિટલના ચર્મરોગ વિભાગના હેડ ડો. આદિત્ય એન અને ડો. જૂઈ આર. શાહે કહ્યું કે, ચામડીના અનેક પ્રકારના રોગ થાય છે ત્યારે ડિગ્રી વિનાના તબીબોની સારવારથી ચામડીને અસાધારણ નુકસાન થઈ શકે છે. તેવા સંજોગોમાં એમ.ડી./ડી.વી.ડી તબીબની સલાહને અનુસરીને જ સારવાર લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉપરાંત યુ-ટ્યુબ, વ્હોટસેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા અપાતી સલાહ ત્વચાને નુકસાન કરી શકે છે.
તેમણે કહ્યું કે, ઘણીવાર ગોરા થવાની ઘેલછામાં જાહેરાતો જોઈને કે, મિત્રવર્તુળની સલાહ મુજબ મેડિકલ સ્ટોરમાથી મળતી સ્ટીરોઈડવાળી ક્રિમ લગાવવાથી ચહેરાની સ્કિન પાતળી થઈ જવી, કોઈ ચેપ લાગી જવો, ચહેરા પર વાળ આવી જવા તથા અસાધારણ રતાશ પણ આવી જતી હોય છે અને ત્વચાને ગંભીર નુકસાન થઈ શકે છે. તેથી આવી ક્રીમનો ઉપયોગ કરતાં પહેલા ચર્મરોગ નિષ્ણાંતોની સલાહ અચૂક લેવી જોઈએ. જો કે, સ્ટીરોઈડ ઉપયોગી પણ છે. પરંતુ, નિષ્ણાંત તબીબો જ રોગ મુજબ તેની યોગ્ય સલાહ આપી શકે છે.
ચામડી રોગના અન્ય તબીબ ડો. કૃણાલ દૂધાત્રા અને ડો. કિંજલએ જણાવ્યુ હતું કે, ચામડીના જુદા જુદા રોગો માટે અનેક કારણો હોય શકે, તે માટે ચામડીના નિષ્ણાંત જ સચોટ નિદાન વિશ્વસનીય સલાહ અને પુરાવા સાથેની યોગ્ય અને પધ્ધતિસરની સારવાર આપી શકે છે. તેથી ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૨૨ના દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચામડીના અને વાળના રોગ સામે તથા તેની કાળજી માટે ચર્મરોગ તબીબો જ સાચા માર્ગદર્શક અને નિષ્ણાંત છે. તેવો સંદેશો લોકોને આપ્યો છે.
Leave a Reply