માર્ચમાં ડોમેસ્ટિક પેસેન્જર વ્હીકલના રિટેલ વેચાણમાં વાર્ષિક દ્રષ્ટિએ 4.87 ટકાનો ઘટાડો જોવ મળ્યો છે અને માર્ચ, 2022માં તે ઘટીને 271,358 યુનિટ થયું છે. ઓટોમોબાઈલ ડીલર્સ સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA) એ મંગળવારે જણાવ્યું હતું કે માર્ચ 2021માં પેસેન્જર વ્હિકલ્સાનું વેચાણ 285,240 યુનિટ હતું.
ફાડાએ એક માસિક રિપોર્ટમાં કહ્યું કે ટુ-વ્હીલરનું વેચાણ ગયા મહિને 4.02 ટકા ઘટીને 1,157,681 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 12,06,191 યુનિટ હતું.
કોમર્શિયલ વાહનોનું વેચાણ માર્ચ, 2021ના 67,828 યુનિટની સામે આ વર્ષે 14.91 ટકા વધીને 77,938 યુનિટ થયું છે જે અર્થતંત્રમાં ગ્રામીણ ક્ષેત્રની અને ઈન્ડસ્ટ્રી સેક્ટરની મજબૂત રિકવરીના સંકેતો છે. થ્રી-વ્હીલરનું વેચાણ પણ ગયા મહિને 26.61 ટકા વધીને 48,284 યુનિટ થયું હતું, જે માર્ચ 2021માં 38,135 યુનિટ હતું.
જોકે એકંદર તમામ સેગમેન્ટમાં કુલ વેચાણ માર્ચ, 2022માં 2.87 ટકા ઘટીને 16,19,181 યુનિટ થયું હતું, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 16,66,996 યુનિટ હતું.
ફાડા પ્રમુખ વિંકેશ ગુલાટીએ કહ્યું કે સેમિકન્ડક્ટરના સપ્લાયમાં અગાઉના મહિના કરતાં થોડો સુધારો થયો છે, જોકે ચિપની અછત હજુ પણ સૌથી મોટો પડકાર છે. પેસેન્જર વાહનોની માંગમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો અને વેઈટિંગ પીરિયડ પણ વધી રહ્યો છે.
આગામી સમયના આઉટલુક અંગે ફાડાએ ચેતવણી વ્યકત કરી છે કે ગ્રામીણ ક્ષેત્રે અનેક પડકારોને કારણે ટૂ-વ્હીલર સેગમેન્ટ પહેલાથી જ નોન-પર્ફોર્મિંગ હતું. હવે મોંઘા પેટ્રોલ-ડીઝલ અને અન્ય મોંઘવારીની સાથે વાહનની ખરીદ કિંમત અને અન્ય ખર્ચમાં વધારો થવાને કારણે વધુ દબાણ સર્જાઈ રહ્યું છે.
Leave a Reply