– રાતે જેવાં કપડાં પહેરો તેવો કલર બદલે છે
– આગામી લક્ષ્ય – વિના પવને પાવર જનરેટ કરતી પવનચક્કીનું નિર્માણ કરવા તરફ પ્રયાણ
રાત્રીના ભાગે રાઈડ પર નીકળો તો એક સ્વીચ ઓન કરતાં જેવા કપડા પહેર્યા હોય તેવો રંગ ધારણ કરતી બેટરી સંચાલિત મોટર બાઈક નું સર્જન કરી મુન્દ્રા ના ચૌદ વર્ષીય કિશોરે નગરજનો ને અચંબિત કરી મુક્યા છે. સ્થાનિકેની આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર ડી ઉચ્ચતર માધ્યમિક શાળાના નવમાં ધોરણમાં અભ્યાસ કરતા પ્રકાશ લુહાર આસપાસ બાઈક નો એક ચક્કર લગાવવા છાત્રોના ટોળાં વળે છે.
જુદા-જુદા ગેરેજોમાં ફરી કોડીના ભાવે પૂર્જાઓ લાવી નવી બાઈક નું સર્જન કર્યુ
કોરોના કાળમાં જયારે મોટા ભાગની યુવા પેઢી મોબાઈલના વપરાશમાં તલ્લીન હતી ત્યારે કારીગરી ગળથુથી માં લઈ ને જન્મેલા પ્રકાશ ના મન માં લોકોમાં કુતુહલ જગાડે તેવું નવસર્જન કરવાનો વિચાર સ્ફૂર્યો અને તેણે લોહારી કામ કરતા અને અર્ધશિક્ષીત છતાં મેકેનિક જીવ ધરાવતા પિતા સુરેશ ઉંમરશી લોહાર સમક્ષ તેમની વર્ષો જૂની ખખડધજ સ્કૂટી ને પોતાના નવતર પ્રયોગમાં હોમી દેવાની માંગ કરી. બાદ જુદી ગેરેજો ફરી કોડીના ભાવે મળતા ભંગાર પૂર્જાઓ એકત્રિત કર્યા અને તેને જોડી બેજોડ બાઈક નું સર્જન કર્યું.48 વોલ્ટ અને 26 એએચ ની બેટરીને એક વાર ચાર્જ કર્યા પછી 50 કિમી ની એવરેજ આપતી બાઈક આજ ની તારીખમાં દોઢસો કિલો વજન નું પરિવહન કરવામાં સક્ષમ છે.
વિના પવન પાવર જનરેટ કરે તેવી પવનચક્કીનું નિર્માણ કરવાનો ધ્યેય
તદ્દન કુમળી વયે પીઢ વિચારશરણી ધરાવતા પ્રકાશે હાલ ઓપન માર્કેટમાં વિદ્યુત આધારિત મોટર સાયકલો નું વેંચાણ તદ્દન ઓછું હોવા બાબતે તેણે પોતે સૂચવેલા સુધારાઓ કરાય તો બમણો ગ્રોથ થવા નો વિશ્વાસ વ્યક્ત કરતાં આગામી આવિષ્કાર તરીકે વિના પવન પાવર પેદા કરે તેવી પવનચક્કી નું નિર્માણ કરવા બાબત પર પ્રકાશ પાડી તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોવાનું જણાવતા ટૂંક સમયમાં લોકો સમક્ષ મુકવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.
આર ડી હાઈસ્કૂલનું ગૌરવ હોવાની લાગણી વ્યક્ત કરતા શાળાના આચાર્ય
પ્રકાશે બનાવેલી બાઈક જોઈ મોઢામાં આંગળા નાખી ગયેલા આર ડી હાઈસ્કૂલના નિવૃત શિક્ષક રાજેન્દ્ર ત્રિવેદી અને હાલના આચાર્ય સ્નેહલ વ્યાસે સોશ્યલ મીડીયા ના માધ્યમથી પ્રકાશની સિદ્ધિનો ફેલાવો કરવાનું બીડું ઉઠાવી દિવ્ય ભાસ્કરને માહિતગાર કરતાં તેને શાળાનું ગૌરવ ગણાવ્યો હતો.અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
Leave a Reply