– સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર
– આજે મહત્તમ પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના
રાજ્યમાં સુરેન્દ્રનગરની સાથે સર્વાધિક ગરમ રહેલાં ભુજમાં મહત્તમ પારો ઉંચકાઇને 42 ડિગ્રીએ પહોંચતાં બળબળતો તાપ અનુભવાયો હતો. સતત બીજા દિવસે સૌથી ઉષ્ણ બનેલા જિલ્લા મથકે આજે શુક્રવારે તાપમાન 43 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવાઇ છે. ભુજમાં અધિકતમ ઉષ્ણતામાનમાં 0.2 ડિગ્રીના વધારા સાથે કાળઝાળ ગરમી અનુભવાઇ હતી પરિણામે બપોરે માર્ગો પર પાંખી અવર જવર જોવા મળી હતી. ગરમીનો માર ઓછો કરવા શહેરીજનોએ ઠંડા પીણાનો સહારો લીધો હતો.
ન્યૂનતમ પારો પણ 3 આંક ઉંચે ચડીને 24.1 રહેતાં રાત્રિની ટાઢક ગાયબ જણાઇ હતી. રાજ્યમાં પાંચમા ક્રમના ગરમ કંડલા એરપોર્ટ મથકે મહત્તમ 3 ડિગ્રી વધીને 41 પર પહોંચ્યું હતું જેને પગલે ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં ફરી કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. કંડલા બંદરે 37 જ્યારે નલિયામાં ઉંચું ઉષ્ણતામાન 37.2 નોંધાતાં ગરમીમાં રાહત વર્તાઇ હતી. દરમિયાન આજે શુક્રથી રવિવાર સુધી કચ્છમાં ગરમીનું મોજું ફરી વળવાની સાથે તાપમાન 41થી 43 ડિગ્રી જેટલું ઉંચું રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Leave a Reply