– ભારત ઉપરાંત આફ્રિકા, ઘાના, નાઇજીરીયા, પાકિસ્તાન, ચીનના લોકોને સહાયરૂપ બન્યા
એક મહિના કરતાં વધુ સમયથી રશિયા – યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીયથી લઈ અનેક દેશોના નાગરિકોને યુક્રેનથી સલામત બહાર લાવવા અને તેમને આવશ્યક દરેક પ્રકારની જીવન જરૂરિયાતની સામગ્રીના વિતરણમાં સેવા ઇન્ટરનેશનલના માધ્યમથી સ્વયં સેવકો પ્રથમ દિવસથી જ કામે લાગી ગયા છે.આ સેવા યજ્ઞમાં જોડાયેલા કચ્છના સ્વયંસેવકોએ ભારત ઉપરાંત આફ્રિકા, ઘાના, નાઇજીરીયા, પાકિસ્તાન, ચાઇના વગેરે દેશોના વિદ્યાર્થી અને લોકોને અલગ અલગ એરપોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં મદદ કરી છે.
યુદ્ધના પહેલા દિવસથી કાર્યકરોને અસરગ્રસ્તોની મદદે લાગી જવા આહ્વાન કરાયું હતું. તેના ભાગરૂપે લંડનની વુલવીય શાખાના ત્રણ કચ્છી સ્વયંસેવકો મૂળ માંડવીના વેલજી રાબડીયા, કેરાના ગોવિંદ સેવાણી તથા રામપર વેકરાના જેન્તીભાઇ વરસાણી સેવા યુરોપ દ્વારા યુક્રેન- લેન્ડ સરહદના સહાયતા કેમ્પ પર વર્તમાનમાં કાર્યરત છે.યુરોપની કડકડતી ઠંડી અને વરસાદી વાતાવરણ વચ્ચે સેવા યુરોપ અને યુ.કે. દ્વારા ત્રણ પ્રકારની સુશ્રૂષા ચાલી રહી છે. જેમાં હેલ્પલાઇન, સ્થળાંતર અને આવશ્યક સામગ્રીની મદદ અત્યંત ઉપયોગી રહ્યાનું ત્યાંના પ્રમુખ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું.
સ્થળાંતર કરી રહેલા વૃદ્ધો અને નાના બાળકોનો સામાન તેમના વાહનો સુધી સલામત પહોંચાડવો તેમજ ભોજન, કપડા, દવા, બાળકો અને મહિલાઓ માટે આવશ્યક સામગ્રીથી લઇ મોબાઈલ સીમકાર્ડ, ચાર્જિંગ સુધીની વ્યવસ્થા રશિયા બોર્ડરમાં વિધિવત જઈ ત્યાં ઇમિગ્રેશન માટે પાંચ-છ કલાકથી લાઈનમાં ઉભેલા વૃદ્ધો, મહિલા અને બાળકોને ભોજન, પાણી, દવા જેવી વ્યવસ્થા સેવા યુરોપના માધ્યમથી સ્વયંસેવકો દિવસ રાત જોયા વિના કરી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ દેશો હંગેરી, રોમાનિયા, અને પોલેન્ડ સરહદ પર સેવા યુરોપ અને સેવા યુ.કે. દ્વારા લોકોને સહાયની કામગીરી કરવામાં આવી છે તેમ સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ નારાણ વેલાણીની યાદીમાં જણાવાયું હતું.
Leave a Reply