– સદીને આરે પહોંચેલા વડીલના પગના થાપાના ભાંગેલા હાડકાની અને હ્રદયની ક્ષીણ જોખમી ગતિવિધિ વચ્ચે કરાઇ શસ્ત્રક્રિયા
– માંડવી તા. બિદડાના ૯૮ વર્ષના દાદાને યથાવત સ્થિતિમાં લાવી દીધા
માંડવી તાલુકાનાં બિદડા ગામના ૯૮ વર્ષે નોટ આઉટ રહેલા વડીલના થાપાનું હાડકું ભાંગી જવા ઉપરાંત ઉમરને કારણે ક્ષીણ થયેલા હ્રદયની ગતિવિધિના સતત બદલાવ વચ્ચે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઓર્થો અને એનેસ્થેસિયા વિભાગે થાપાના હાડકાનું સફળ ઓપરેશન કરી સદીની આરે પહોંચેલા દાદાને યથાવત સ્થિતિમાં લાવી દીધા હતા.
જી.કે. જનરલ હોસ્પિટલના હાડકાં વિભાગના ડો. પ્રો. ઋષિ સોલંકી તથા આસી. પ્રો. ડો. કેલ્વિન સુરેજાએ જણાવ્યુ હતુ કે, માંડવી તાલુકાનાં બિડદા ગામના કરસન મોટા નામના દાદા પડી જવાને કારણે તેમના ડાબા થાપાના નીચેના ભાગનું હાડકું (Interirochenierc fracture) ભાંગી ગયું અને સદંતર ચાલવાનું બંધ થઈ જવાથી અત્રે ઓર્થો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, પૂરતી ચકાસણી કરતાં ઓપરેશન જરૂરી હતું જો ઓપરેશન ન થાય તો બાકીની જિંદગી પથારીમાં જ વિતાવી પડે. એવા સંજોગોમાં ઓપરેશન પૂર્વેના રિપોર્ટમાં હ્રદય પણ નબળું જણાતું હતું, આવી પરિસ્થિતીમાં હાડકાં વિભાગ સાથે એનેસ્થેસિયા વિભાગનું કામ કપરું બની જાય છે. એનેસ્થેસિયા વિભાગના આસી. પ્રો.ડો. ખ્યાતિ મકવાણાએ કહ્યું કે, આ પરિસ્થિતિમાં જોખમ વચ્ચે પણ ઓપરેશન પાર પાડવાનો સંકલ્પ કર્યો. એનેસ્થેસિયા વિભાગના હેડ ડો. મંદાકીની ઠકકરના માર્ગદર્શન હેઠળ દર્દીને સંપૂર્ણ બેભાન કરી ઓપરેશન દરમિયાન હ્રદયના ધબકારા, શ્વાસોછવાસ, ઑક્સીજન અને ખાસ કરીને મોટી ઉમરના કારણે દવાની અસર ઉપર સતત નિરીક્ષણ કરી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ શસ્ત્રક્રિયામાં ઓર્થો વિભાગના ડો. પાર્થ રાઠોડ, ડો. અંકુર સંગાડા, એનેસ્થેસિયા વિભાગના ડો. વૈભવી મેંદપરા સહિત ઓર્થો વિભાગના બ્રધર્સ, નર્સિંગ સ્ટાફે સતત જહેમત લઈ દર્દીને ઘરે જવાની રજા આપવામા સફળતા મળી હતી.
Leave a Reply