– પરીક્ષાની મોસમમાં ચિંતા અને ખોટી ચિંતાને ઓળખી લેશો તો સફળતા મળશે
– ઉજાગરા ટાળો, ખોરાક ઉપર ધ્યાન આપો સમયસર આયોજન કરો
કોરોના મહામારીના ડરમાથી મુક્ત થયા પછી હવે પરીક્ષાની મોસમ આવી છે. માધ્યમિક કોલેજ પછી નીટની પરીક્ષા નક્કી થઈ ગઈ છે. આ તમામ પરીક્ષાઓ કારકિર્દી માટે ઉપયોગી હોવાથી ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ, ખોટી ચિંતા નહીં કરવાની શીખ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ આપી છે.
જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના હેડ અને પ્રોફે. ડો. મહેશ તિલવાણી તથા આસી. પ્રો. અને ડો. ચિરાગ કુંડલિયાએ કહ્યું કે, ચિંતા અને ખોટી ચિંતા વચ્ચે પાતળી ભેદરેખા છે. બંને વચ્ચે તફાવત સમજાવતા તેમણે જણાવ્યુ કે, ચિંતા યોગ્ય છે. જેથી વિધાર્થીને ખ્યાલ આવે કે, ક્યારે કેમ અને કેટલું વાંચવું. ક્રમબધ્ધ કેમ આયોજન કરવું. આ બધુ ચિંતા શીખવે છે. પરંતુ, એવા વિચારો ચાલુ રહે કે, પાસ થવાશે કે નહીં જે વાંચ્યું છે એમાથી નહીં પૂછાય તો, ધ્યેયસિધ્ધી નહીં થાય તો આ બધી ખોટી ચિંતા છે.
આમ, ચિંતા કરવી, પણ ખોટી ચિંતા નહીં કરવાની બંને ડોક્ટરો ઉપરાંત મહિલા મનોચિકિત્સક ડો. રિધ્ધિ ઠક્કરે કહ્યું કે, પરીક્ષા એકાએક જાહેર નથી થઈ. કાર્યક્ર્મ અગાઉથી જ જાહેર થાય છે. એટ્લે બધુ સમયસર પાર પડે એ માટે ચિંતા કે કાળજી રખાય. અગ્રતાક્રમ નક્કી કરી શકાય. જો એમ લાગે કે, સમય ઓછો છે. તો અગત્યનું છે એ વાંચવું. પૂછાઇ શકે એવા સંભવિત પ્રશ્નો ઉપર ધ્યાન આપવું. ભૂતકાળમાં વાંચ્યું હોય એનું પુનરાવર્તન કરવું.
પરંતુ, ક્યારેક આવી ચિંતા સાથે ખોટી ચિંતા પણ સતાવતી હોય છે. જો તેની તીવ્રતા વધી જાય તો મુશ્કેલી ઊભી થાય છે. આવી ખોટી ચિંતામાં પરીક્ષા પહેલા જ પ્રશ્નો ઊભા થઈ જશે. જેમ કે, યાદ ન રહેવું, ખરા વખતે જ વાંચેલું યાદ ન આવવું. આત્મવિશ્વાસ ઘટી જવો જેવી સમસ્યા સર્જાઈ શકે. પરીક્ષા દરમિયાન ચિંતા બધાને થાય જ્યારે ગ્રૂપમાં રહેશો તો ચિંતાની તીવ્રતા ઘટશે. ખાસ તો અન્ય સાથે સરખામણી કરવાનું ટાળજો. દરેકને કુદરતે અલગ ઓળખ આપી છે.
આ તમામ પ્રકારના વિચારો વચ્ચે પણ આરોગ્યનું તો ધ્યાન જ રાખવું. ભલે પરીક્ષાના દિવસો હોય પણ ૬ કલાક ઊંઘ તો લેવી જ. સતત વાંચતાં રહેવાને બદલે મગજની ક્ષમતા પ્રમાણે બ્રેક લેવો ખાસ તો સૂતા પહેલા દિવસ દરમિયાન શું વાંચ્યું તેનું પુનરાવર્તન કરી લેવું. ખોરાક ઉપર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. એનર્જીયુક્ત ખોરાક લેવો. રાત્રે ઓછું ખાવું અને ખાસ તો ઉજાગરા ટાળવા અને જાગવા માટે કેફિન જેવા પદાર્થો ન લેવા. આ તમામ કાળજી રખાય તો પરીક્ષામાં સફળતા અચૂક મળે.
Leave a Reply