– ઈન્ડેક્ષમાં મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા નંબરે
– નિકાસની શક્યતા, પરફોર્મન્સ સહિતના ચાર માપદંડોના આધારે તૈયાર થયેલા અહેવાલમાં ગુજરાતને સૌથી વધુ ૭૮.૮૬ પોઈન્ટ્સ મળ્યાં
કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્ષમાં ગુજરાતને સતત બીજા વર્ષે સૌથી વધુ પોઈન્ટ્સ મળતા પહેલો ક્રમ અપાયો છે. મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા ક્રમે હતા. કેન્દ્રશાસિત રાજ્યો અથવા નાના રાજ્યોની કેટેગરીમાં દિલ્હી પ્રથમ નંબરે, ગોવા બીજા ક્રમે રહ્યા હતા.
નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્ષ વિવિધ પાંચ મુખ્ય માપદંડો અને ૧૧ પેટા માપદંડોના આધારે તૈયાર થાય છે. એમાં નિકાસ માટેની પોલિસી, નિકાસની શક્યતા, પરફોર્મન્સ, બિઝનેસ ઈકોસિસ્ટમ એમ ચાર માપદંડો ચકાસવામાં આવે છે. એ ઉપરાંત પ્રમોશન પોલિસી, બિઝનેસ માટેનું સાનુકૂળ વાતાવરણ જેવા વિવિધ ૧૧ પેટા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. તેના આધારે કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ ઈન્ડેક્ષ બહાર પાડે છે.
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે અહેવાલ રજૂ કરતા કહ્યું હતું કે ૭૮.૮૬ પોઈન્ટ્સ સાથે ગુજરાત આ યાદીમાં અગ્રેસર રહ્યું હતું. ગયા વર્ષની જેમ જ મહારાષ્ટ્ર બીજા અને કર્ણાટક ત્રીજા નંબરે હતું. તમિલનાડુ ચોથા, હરિયાણા પાંચમા, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, મધ્યપ્રદેશ સાતમા, પંજાબ આઠમા, આંધ્રપ્રદેશ નવમા અને તેલંગણા ૧૦ નંબરનું રાજ્ય હતું.
કેન્દ્રશાસિત અથવા તો નાના રાજ્યોની કેટેગરીમાં દિલ્હી પ્રથમ, ગોવા બીજા, જમ્મુ-કાશ્મીર ત્રીજા, ચંદીગઢ ચોથા અને પુડુચેરીને પાંચમો ક્રમ મળ્યો હતો.
રાજીવ કુમારે કહ્યું હતું કે વિશ્વનો વેપાર ગ્રોથ ૩૦ ટકા છે, જ્યારે ભારતની નિકાસનો દર ૩૬ ટકા છે. ભારતે દુનિયાભરમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતુંઃ ઘણાં લાંબાં સમય પછી એવું જોવા મળ્યું હતું કે ભારતના ટ્રેડ શેર વધીને ૧.૬થી ૧.૭ ટકા થયો હતો. વ્હિકલ, ઈલેક્ટ્રિકલ મશીનરી, સ્ટીલ અને લોખંડની નિકાસમાં ભારતે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વિશ્વનો વાર્ષિક વેપાર ૨૪ ટ્રિલિયન ડોલર રહ્યો હતો, જેમાં ભારતનો હિસ્સો ૪૦૦ અબજ ડોલરનો હતો.
નીતિ આયોગના કહેવા પ્રમાણે વૈશ્વિક નિકાસમાં ભારતની હિસ્સેદારી આગામી ૧૦ વર્ષમાં નોંધપાત્ર રીતે વધશે. ભારતના બધા રાજ્યોને નિકાસની તક છે અને બધા રાજ્યોનો ફાળો ભારતની સમગ્ર વિકાસમાં વધશે.
Leave a Reply