– આવકવેરા પરનો સેસ ખર્ચ તરીકે બાદ ન અપાતા મોટી ડિમાન્ડ નોટિસો કાઢવા માંડી
કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામને કરવેરા પર લાગતી સેસ કે પછી એજ્યુકેશન સેસને ખર્ચ ન ગણવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયને પાછલી મુદતથી અમલમાં મૂક્યો હોવાથી સેસ અને એજ્યુકેશન સેસને ખર્ચ તરીકે બાદ લેનારા સંખ્યાબંધ કરદાતાઓને માથે નવેસરથી લાખો રૃપિયાની ટેક્સની ડીમાન્ડ ઊભી થવા માંડી છે. તેના સંદર્ભમાં નોટિસો પણ ઇશ્યૂ થવા માંડી છે.
સુપ્રીમ કોર્ટે સેસા ગોવાના કેસમાં ચૂકાદો આપતા એજ્યુકેશન સેસ અને સેસને આવકવેરો ગણવાની ના પાડી હોવાથી કરદાતાઓએ તેને ખર્ચ તરીકે આવકમાંથી બાદ મેળવી લેવાનું ચાલુ કરી દીધું હતું. આ ખર્ચને માન્ય ન રાખવો પડે તે માટે નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં સુધારો કરીને તેને ખર્ચ ન ગણવાની જોગવાઈ કરી દીધી હતી.
વાત અહીં પૂરી થતી નથી. અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે બજેટના માધ્યમથી કરવામાં આવેલી આ જોગવાઈને ૨૦૨૨-૨૩ના વર્ષથી અમલમાં મૂકવાને બદલે પાછલી મુદતથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. પરિણામે મોટા કરદાતાઓને દસ દસ વર્ષના કેસો ખૂલવાની શક્યતા વધી છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન તેમણે સેસ અને એજ્યુકેશન સેસની ચૂકવણીને ખર્ચ તરીકે બાદ લીધા હશે તે બધાં જ અમાન્ય ઠરશે. તેથી તેમને માથે વેરો જમા કરાવવાની નવી જવાબદારી ઊભી થશે.
જૂના વરસોની આ જવાબદારી અદા ન કરવી પડે તે માટે ઉદ્યોગો કે કંપનીના પ્રમોટર્સ કોર્ટના દરવાજા ખખડાવશે. પરિણામે આવકવેરાના કેસોની અને અપીલના કેસોની સંખ્યામાં એકાએક ઊછાળો આવી જશે.
Leave a Reply