– કોરોના મહામારીમાં વૈશ્વિક સ્તરે પ્રતિબંધોમાં ભારતે નિકાસ મોરચે તક ઝડપી
કોરોના મહામારીમાં વૈશ્વિક સ્તરે ભારતીય પ્રોડક્ટની માગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ છે. ચીનથી શરૂ થયેલી કોરોના મહામારીના કારણે વિશ્વના અનેક દેશો ભારતીય પ્રોડક્ટ તરફ આકર્ષાયા છે. જેના પરિણામે દેશમાંથી છેલ્લા એક વર્ષથી થઇ રહેલી નિકાસમાં સતત વધારો થયો છે. એન્જિનિયરિંગ, હેન્ડીક્રાફ્ટ, જેમ્સ-જ્વેલરી, અનાજ, કેમિકલ્સ, ફાર્મા, સિરામીકની નિકાસમાં સરેરાશ 15-30 ટકા સુધીનો વધારો થયો છે. નાણાકીય વર્ષમાં પ્રથમ વખત દેશની નિકાસ 400 અબજ ડોલરને ક્રોસ થઇ ચૂકી છે.
મર્ચેન્ડાઇઝ નિકાસ 2020-21માં 292 ડોલર સામે 21 માર્ચ સુધી 2021-22માં 37 ટકા વધીને 400.8 અબજ ડોલર થઈ છે. અગાઉ 2018-19માં 330.07 અબજ ડોલરની રેકોર્ડ નિકાસો થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન હસ્તકલાની નિકાસ 29.18 ટકા વૃદ્ધિ સાથે રૂ.29626.96 કરોડ રહી છે. વિશ્વમાં 90થી વધુ દેશોમાં વેપાર થઇ રહ્યો છે. દેશમાંથી સૌથી વધુ નિકાસ વેપારો યુકે, યુએસએ, કેનેડા, જર્મની, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, ગ્રીસ, ઇટાલી, સ્વીડન સહિત 90 થી વધુ દેશોમાં થઇ રહ્યો છે. મર્ચેન્ડાઈઝ નિકાસો ઘણા વર્ષો બાદ 1.6 ટકાથી વધી 1.7 ટકા થઈ છે.
દેશની 30 લાખ કરોડની નિકાસમાં જેમ્સ & જ્વેલરીનો હિસ્સો 10%
ભારતે નાણાકીય વર્ષમાં પ્રથમ વખત રૂ. 30 લાખ કરોડની નિકાસનો આંકડો પાર કર્યો છે. જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો હિસ્સો 10% છે. એપ્રિલ 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે દેશમાંથી જેમ્સ અને જ્વેલરીની નિકાસ 63% વધી રૂ. 2.70 લાખ કરોડથી વધી છે. જ્યારે બીજી બાજુ 2019-20ની સરખામણીમાં 12.19% વધી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના જણાવ્યા અનુસાર, આ વર્ષે સરકારે જેમ્સ અને જ્વેલરીની નિકાસનું લક્ષ્ય રૂ. 3.8 લાખ કરોડ નક્કી કર્યું છે. UAE સાથે વ્યાપક આર્થિક કરાર સાથે, મધ્ય પૂર્વથી જ લગભગ 8 લાખ કરોડની નિકાસ થવાની અપેક્ષા છે. સરકાર ટૂંક સમયમાં કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સાથે સમાન કરાર પર હસ્તાક્ષર કરશે, જેનાથી દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.
70% નિકાસો ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી
દેશની કુલ નિકાસોના 70 ટકા નિકાસો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, અને તેલંગાણામાંથી થાય છે. વાહનો, ઈલેક્ટ્રિકલ, મશીનરી, આયર્ન, સ્ટીલ સહિતના સેક્ટર્સમાં મજબૂત ગ્રોથ નોંધાયો છે. ગ્લોબલ ટ્રેડ વેલ્યૂ 24 લાખ કરોડ ડોલર સામે ભારતની નિકાસો 400 અબજ ડોલર નોંધાઈ છે.
એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત ટોચે
નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ 2021માં ગુજરાતે ફરી બાજી મારી છે. નિકાસની વધુ ક્ષમતા અને સારી નિકાસોના મામલે સતત બીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે, જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. કર્ણાટક ત્રીજા સ્થાને છે. ઈન્ડેક્સમાં રાજ્યની નિકાસ ક્ષમતા અને પર્ફોર્મન્સના આધારે ક્રમ નક્કી કરવામાં આવે છે.
Leave a Reply