– પદ્મશ્રી રમીલાબેન ગામીત અને ડીડીઓ ડો.ડી.ડી.કાપડિયાના હસ્તે સેનેટરી પેડ મશીનનું ગોપાલપુરા ખાતે લોકાર્પણ થયું
ગ્રામીણ મહિલાનોને ઘર આંગણે રોજગાર મળે અને એ આત્મનિર્ભર બને એ માટે સરકારની અનેક યોજના કાર્યરત છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામની 10 ગ્રામીણ આદિવાસી મહિલાઓએ મિશન મંગલમ જાગૃતિ સખી મંડળ બનાવ્યું હતું. રોજગારી માટે કરવું શું? એ માટે તાપી જિલ્લા ડીડીઓશ્રીએ ઉદ્યોગ સમૂહ એવા અદાણી ગ્રૂપના અદાણી ફાઉન્ડેશનને વિનંતી કરી અને એમને મળ્યું છે સેનેટરી પેડ બનાવવાનું મશીન, એનો કાચો માલ અને તાલીમ અને એ પણ નિઃશુલ્ક.
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ અદાણી ફાઉન્ડેશનના સૌજન્યથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગોપાલપુરાની બહેનો દ્વારા સંચાલિત થનારા સેનેટરી પેડ યુનિટનું ઉદ્ઘાટન આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. ડી.ડી.કાપડિયા અને પદ્મશ્રી રમીલાબેન ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં અનેક મહાનુભાવોના હસ્તે થયું હતું. આજે યોજાયેલા એક સાદા અને ગૌરવપૂર્ણ સમારોહમાં ગોપાલપુરા જેવા એકદમ નાનકડા ગામની 10 મહિલાઓએ દીપિકાબેન ગામીતની આગેવાનીમાં સેનેટરી પેડ બનાવવાના કાર્યનો આરંભ કર્યો છે. આ નવીન પહેલમાટેના 4 લાખ 40 હજારનું મશીન અને પેડ બનાવવા માટે શરૂઆતના તબક્કે મહિલાઓ ઉપર કોઈ આર્થિક ભારણ ન આવે એ માટે કાચો માલ, પેકિંગ અને કામ શરૂ કરવાની મૂડી તરીકે ૫ લાખ ૪૦ હજાર મળીને કુલ ૯ લાખ ૮૦નો આર્થિક સહયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા મળ્યું છે. સાથે જ આઇસીડીએસ વિભાગ અને સખી મંડળ વચ્ચે કરાર થયા છે કે જે પેડ ઉત્પાદન થશે એને સરકારની વિવિધ યોજના હેઠળ વિતરિત કરવા માટે ખરીદી લેવામાં આવશે. આ કરારના કારણે ગોપાલપુરાની મહિલાઓને વેચાણ કરવા ક્યાય જવું નહીં પડે.
ઘરઆંગણે સેનેટરી પેડ બનાવીને આત્મનિર્ભતા તરફ આગેકદમ કરનારી મિશન મંગલમ જાગૃતિ સખી મંડળના દિપીકા ગામીતએ આ સમગ્ર કાર્ય માટે અદાણી ફાઉન્ડેશન અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વાત કરતા પદ્મશ્રી રમીલાબેન ગામીતએ પોતાના અનુભવ અને પદ્મશ્રી સુધીની યાત્રાની વાત કરી હતી. સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચે તે અંગે માર્ગદર્શન આપી ઉપસ્થિત ગ્રામિણ મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા ખાસ હાજર રહેલા તાપી જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ.ડી.ડી. કાપડીયાએ સરકારની મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજના અંગે વિસ્તૃત માહિતી આપીને ગ્રામિણ મહીલાઓને આ
યોજનાનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો. સાથે જ એમણે અદાણી ફાઉન્ડેશનની કામગીરી તાપી જીલ્લાના અન્ય તાલુકામાં વિસ્તારવા વિનંતી કરી હતી.
આ પ્રસંગે ડીએલએમ પંકજ પાટીદાર, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓએ, ગામના સરપંચ હેમાબેન સહીતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
Leave a Reply