– બે લેખકને પ્રથમ અને બે સર્જકને તૃતિય પારિતોષિક
ગુજરાત સાહિત્ય અકાદમી દર વર્ષે વિવિધ સાહિત્ય પ્રકારના પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તકનું ઇનામ આપે છે. વર્ષ 2020 માટે જાહેર કરાયેલા પારિતોષિકોમાં કચ્છના ચાર સાહિત્ય સર્જકે મેદાન માર્યું છે. જે પૈકી બે લેખકને પ્રથમ અને બે સર્જકને તૃતિય ઇનામ માટે પસંદ કરાયા છે.
ભુજના ઇતિહાસકાર, સંશોધક અને નવલકથા તેમજ વાર્તાઓના લેખક ઉમિયાશંકર અજાણીને ‘કચ્છના બંદરો : ભાતીગળ ભૂતકાળની આવતી કાલ’ પુસ્તક માટે પ્રથમ પારિતોષિક જાહેર કરાયો છે. તેમને 11 હજાર રોકડ ઇનામથી પુરસ્કૃત કરવામાં આવશે. આ અગાઉ પણ તેમને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનવામાં આવ્યા છે. આ ઉપરાંત અંજારના બે લેખકોને તૃતિય ક્રમના ઇનામથી નવાજવામાં આવશે. જાણીતા લેખક માવજી મહેશ્વરીના ભૂકંપના લલિત નિબંધના પુસ્તક ‘મૌનના પડઘા’ને પ્રવાસ અને નિબંધ વિભાગનું ત્રીજું ઇનામ મળ્યું છે. તેમના અત્યાર સુધી 22 પુસ્તક પ્રકાશિત થયા છે.
દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિના કોલમિસ્ટ છે. તેમના પુસ્તકોને વિવિધ સંસ્થાઓના પારિતોષિક મળ્યા છે. તો અંજારના જ જયંત રાઠોડના પ્રથમવાર પ્રકાશિત પુસ્તક ‘ધોળી ધૂળ’ને ટૂંકી વાર્તા વિભાગનું તૃતિય પારિતોષિક જાહેર કરાયું છે. આ બંને લેખકોને 5 હજાર રૂપિયાનું રોકડ ઇનામ અપાશે. તેઓ ટૂંકી વાર્તામાં તાજેતરમાં ઉભરેલું નામ છે. તેમની વિશિષ્ટ લેખન શૈલીએ વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત મૂળ કચ્છના મનીષા ગાલાને નવલ કથા વિભાગમાં ‘વારસદાર’ પુસ્તકને પ્રથમ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
Leave a Reply