– કુનરિયામાં 66 કેવી સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું: શિબિરમાં 500 માલધારી જોડાયા
ભુજ તાલુકાના કુનરિયામાં જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમના પ્રારંભ, 66 કેવી બસ સ્ટેશનના ભૂમિપૂજન સાથે પશુપાલન શિબિરનો ત્રિવેણી સંગમરૂપ સમારોહ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યઅે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રૂદ્રમાતા ડેમ નોર્ધન કેનાલથી ભરાશે. તેમજ રૂદ્રમાતા ડીસીલ્ટીંગ માટે અંદાજે 816000 કયુબીક મીટરનું ખોદાણ કરાંતા અંદાજે ડેમમાં 28.82 MCFT સંગ્રહશકિતનો વધારો થશે.
પ્રાકૃતિક ખેતી અને જીવામૃત દ્વારા ખેડૂતોને 2022 સુધીમાં સમૃધ્ધ કરવા પશુપાલક અને ખેડૂત શિબિરો મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. કચ્છમાં વેટનરી કોલેજ માટે બજેટમાં રૂ.5 કરોડ મંજુર થયા છે તેમજ રૂ.20 કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડીંગ કાર્યરત થશે.
સુજલામ સુફલામ જળ અભિયાનથી જિલ્લામાં 41.73 લાખ ઘન મીટર માટીના ખોદકામથી 1414.73 કરોડ લિટર પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. 66 કે.વી. કુનરિયા સબ સ્ટેશનથી કુનરિયા, ઢોરી, સુમરાસર (શેખ), સરસપર, ધ્રંગ, કોટાય, ફુલાય, નોખાણિયા, રૂદ્રમાતા સહિતના ગામોના 3181 લાભાર્થીઓને 2 જયોતિગ્રામ ફીટર અને 3 ખેતીવાડી ફીટરનો લાભ મળશે.
જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, રૂદ્રાણી જાગીરને પ્રવાસન તરીકે મંજુર કરાયું છે અને રૂ.4.21 કરોડ ડો.નીમાબેને ફાળવ્યા છે. પાંચમા તબક્કાના સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં 1380 કામોથી 188166 માનવદિન રોજગારી મળશે તેમજ 141.47 લાખ ઘનમીટર માટીના ખોદાણ કામથી નીકળેલી માટી-કાંપ વિનામૂલ્યે ખેડૂતો, પશુપાલકો મેળવી શકશે.
કુનરિયા ખાતે 86 જલમંદિરો રૂ.42.86 લાખના ખર્ચે સામાજિક સંસ્થાઓએ બનાવ્યા છે. જિલ્લા પશુપાલન નિયામક ડો.એચ.એમ.ઠકકરે જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાની છઠ્ઠી પશુપાલન શિક્ષણ શિબિરમાં 500થી વધુ પશુપાલકોએ લાભ લીધો છે તેમજ જિલ્લાના મિલ્ક પોકેટ સમા ઢોરી અને સુમરાસર વિસ્તાર ઉત્સાહભેર જોડાયો છે.
અા તકે કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઅો ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, પીજીવીસીએલ અધિક્ષક ઈજનેર એ.એસ.ગરવા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર વી.કે.ગઢવી, કુનરિયા સરપંચ રશ્મીબેન સુરેશભાઇ છાંગા વગેરે હાજર રહ્યા હતા.
Leave a Reply