– 3 દિવસ બાદ ફરી રવિ તપશે : તાપમાન 40 ડિગ્રીથી વધી જશે
કચ્છમાં છેલ્લા 3-4 દિવસથી જિલ્લા મથક ભુજ, કંડલા અેરપોર્ટ અને કંડલા પોર્ટનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું અને પ્રખર ગરમી રાત્રે બાષ્પીભવન સાથે સાગરકાંઠેથી વાતા પવનો સંગાથે ઝાકળ વરસી રહી છે. ખાસ કરીને માર્ચ મહિનામાં ઝાકળવર્ષા વરસતી નથી પરંતુ કચ્છમાં છેલ્લા 2-3 દિવસથી રાત્રિના ઝાકળના પગલે ભુજ સહિત જિલ્લાના સાગરકાંઠાના વિસ્તારોમાં ઝાકળના પગલે માર્ગો ભીના થઇ જાય છે.
અા અંગે હવામાન વિભાગના પ્રીતિ શર્માનો સંપર્ક સાધતા તેમણે કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ઉંકાવાની સાથે બળબળતા તાપના પગલે ગરમીનું બાષ્પીભવન થવાની સાથે રાત્રિના સાગરકાંઠેથી વાતા ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનોના કારણે ઝાકળવર્ષા જેવો માહોલ રહેતો હોવાની સંભાવના વ્યકત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં અાગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21થી 22 ડિગ્રી રહેશે. જો કે, ત્યારબાદ ફરી તાપમાનનો પારો ઉંચકાશે અને અધિકત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધી જશે. સપ્તાહમાં પવનની ગતિ 10થી 15 કિ.મી. પ્રતિ કલાક રહેશે.
તાપમાનનો પારો ગગડ્યો છતાં કંડલા અેરપોર્ટ 40.8 ડિગ્રીઅે રાજ્યમાં અવ્વલ
રવિવારે કંડલા અેરપોર્ટ 40.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સાૈથી ગરમ મથક બની રહ્યું હતું અને પ્રખર તાપના કારણે ગાંધીધામ, અંજાર અને અાદિપુરવાસીઅો તોબા પોકારી ઉઠ્યા હતા. તા.20-3ના જિલ્લા મથક ભુજમાં મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 22.2 ડિગ્રી, કંડલા પોર્ટ પર મહત્તમ 35.3 ડિગ્રી, લઘુત્તમ 22.5 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 33.6 ડિગ્રી, લઘુત્તમ 18.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
બંદરીય માંડવી શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ઝાકળનું સામ્રાજ્ય છવાયું હતું. ઝાકળ વર્ષાના કારણે કોડાય-માંડવી ધોરીમાર્ગ પર ધુમ્મસનું વાતાવરણ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી અને સવારના સૂર્યનારાયણના દર્શન દુર્લભ થતાં મોડે સુધી વાહન ચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખીને વાહનો હંકારવા પડ્યા હતા.
Leave a Reply