કોરોના મહામારી બાદ ભારતમાં શેરબજારના રોકાણકારો-ટ્રેડરોની સંખ્યા ઝડપથી વધી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા 10 કરોડના માઇલસ્ટોનને કુદાવી ગઇ છે. છેલ્લા 91 દિવસમાં એક કરોડ નવા રોકાણકારો ઉમેરાયા છે.
નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિનું એક કારણ એલઆઇસીનો આઇપીઓ પણ હોવાનું મનાય છે. આ મેગા આઇપીઓમાં તેના વીમા પોલિસીધારકોને 10 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ મળવાની અટકળો વચ્ચે મોટી સંખ્યામાં એલઆઇસી પોલિસીધારકોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે.
બીએસઇની આંકડા મુજબ 15 ડિસેમ્બર તેના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા 9 કરોડ હતી જે 16 માર્ચના રોજ 10 કરોડને વટાવી ગઇ છે. વર્ષ 2008માં બીએસઇના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની સંખ્યા પહેલીવાર 1 કરોડે પહોંચી હતી. આમ છેલ્લા 14 વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં 10 ગણી વધીને 10.08 કરોડ થઇ છે. હાલ બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનુ કુલ બજારમૂલ્ય રૂ. 254.45 લાખ કરોડ છે.
દેશમાં મણિપુર, મધ્યપ્રદેશ, લક્ષ્યદ્વીપ, ઓરિસ્સા, અસમ અને અરુણાંચલ પ્રદેશમાં સૌથી વધુ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ રાજ્યોમાં રોકાણકારોની સંખ્યામાં 100થી 300 ટકાનો વધારો થયો છે. જેમાં અસમમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક તુલનાએ 286 ટકા વધી છે જ્યારે સમગ્ર દેશમાં 58 ટકાની વૃદ્ધિ થઇ છે. મધ્યપ્રદેશમાં રોકાણકારોની સંખ્યા એક વર્ષમાં 109 ટકા, છત્તીસગઢમાં 77 ટકા, બિહારમાં 116 ટકા, રાજસ્થાનમાં 84.8% અને ઉત્તરપ્રદેશમાં 84% રોકાણકારો વધ્યા છે. જો સૌથી વધારે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ ધરાવતા રાજ્યોની વાત કરીયે તો મહારાષ્ટ્ર મોખરે છે અને ત્યાં 2.06 કરોડ રોકાણકારો છે જે કુલ સંખ્યાના લગભગ 21 ટકા છે. ગુજરાત 1.01 કરોડ કે 11 ટકા રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ સાથે બીજા ક્રમે છે. તેવી જ રીતે મધ્યપ્રદેશમાં 46 લાખ, પંજાબમાં 22 લાખ, હરિયાણામાં 31.9, રાજસ્થાનમાં 56.30, ઉત્તરપ્રદેશમાં 85.43, દિલ્હીમાં 48.66, છત્તીસગઢમાં 9.1 લાખ, બિહારમાં 30.61 લાખ અને ઝારખંડમાં 15.41 લાખ રોકાણકારો છે. ફેબ્રુઆરીની તુલનામાં 31.82 લાખ રોકાણકારો ઉમેરાયા છે.
Leave a Reply