– લાકડા, છાણાની હોળી પ્રગટાવીને આશિર્વાદ લીધા
– હોળીમાં ધાણી, નારિયેળ, ખજૂર હોમવામાં આવ્યા, ધૂળેટીની સવારે ઠંડુ પાણી રેડી હોળી ઠારવામાં આવશે
પૂર્વ અમદાવાદમાં ગુરૂવારે હોળી પર્વ ધામધુમપૂર્વક અને શ્રદ્ધાભેર મનાવવામાં આવ્યું હતું. દરેક સોસાયટી, ફ્લેટ, શેરીઓ, ચાલીઓ અને હાઉસિંગની વસાહતોમાં કોમન ચોકમાં, રોડ પર તેમજ નાકા પર લાકડા, છાણાની ઢગલી કરીને મોડી સાંજે આસ્થાભેર હોળી પ્રગટાવવામાં આવી હતી. તમામ લોકોએ દર્શન કરીને, હોળીની ઝાળ લઇને ધન્યતા અનુભવી હતી.
પૂર્વ અમદાવાદમાં હોળીના દિવસે સાંજે સમગ્ર વિસ્તારમાં એક ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. બધા જ લોકોએ સામુહિક રીતે હોળીકા દહન કરીને સત્યના વિજયની ઉજવણી કરી હતી. આસુરી શક્તિનો નાશ થાય છે, સત્યનો વિજય થાય છે તેવા ભાવ સાથે લોકોએ હોળી માતાની ફરતે લોટામાં પાણી ભરીને પ્રદક્ષિણા કરી હતી.
હોળીમાં નારિયેળ,ધાણી, ખજૂરને હોમવામાં આવ્યા હતા. બાળકો , વૃદ્ધો, મહિલાઓ, પુરૂષો સહુ કોઇ સાથે મળીને હોળી માતાના દર્શન કરીને , બે હાથ જોડીને સુખ-શાંતિ અને પરિવારના સારા આરોગ્યની કામના કરી હતી. હોળીની ઝાળથી તમામ પ્રકારના રોગ શરીરમાંથી દુર થાય છે. શરીર સ્વસ્થ, મજબૂત બને છે. શરીરમાંનો આત્મા શુદ્ધ થાય છે. આવતીકાલ ધૂળેટીથી કેટલીક મહિલાઓ દશામાનો દોરો લેશે અને દશ દિવસ સુધી દશામાંની પુજા-અર્ચના કરશે, કથા સાંભળશે અને છેલ્લા દિવસે નિવેધ ધરાવીને આશિર્વાદ લેશે. ધૂળેટીની સવારે હોળીને ઢારવામાં આવશે.
Leave a Reply