– ઉદ્યોગોના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનની સુવિધાઓ વિકસાવવા મહત્વના સમજૂતિ કરારો
અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) અને ગુજરાત સરકાર પ્રેરિત કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી (મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યુટ) વચ્ચે સમજૂતિ કરાર(MOU) થયા છે. ગુજરાતમાં ક્ષેત્રીય ઉદ્યોગોના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનની સુવિધાઓ વિકસાવવા આ કરારો ખૂબ જ મહત્વના સાબિત થશે. શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા અને અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવીની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારની યુનિવર્સિટીમાં બજારની માંગને અનુરૂપ ડિગ્રી, ડિપ્લોમા સહિતના ટૂંકા અને લાંબા ગાળાના અભ્યાસક્રમો કરાવામાં આવે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ITIના ટ્રેઈનર્સને પ્રશિક્ષણ પુરુ પાડવામાં આવે છે. તદુપરાંત તેમાં સરકારી ધારાધોરણો મુજબ ચાલતા નવી ટેકનોલોજી ધરાવતા અભ્યાસક્રમો અને કોર્સીસનું આયોજન કરવામાં આવે છે.
કરાર મુજબ યુનિવર્સિટી ધારાધોરણો મુજબ ચાલતા અભ્યાસક્રમો/કોર્સને એફિલીએશન આપશે. દરેક સેમેસ્ટરના અંતે મૂલ્યાંકન કરશે અને સફળ વિદ્યાર્થીઓને ક્રેડિટ/ડિગ્રી/ડિપ્લોમા પ્રમાણપત્રો અને માર્કશીટ આપશે. તદુપરાંત યુનિવર્સિટી તેની વેબસાઇટ પર અભ્યાસક્રમોને પ્રોત્સાહન પણ આપશે. ઉપરાંત ITIs અને અન્ય સરકારી સંસ્થાઓમાં તેમજ જ્યાં જરૂર હોય ત્યાં તે શૈક્ષણિક કાર્યો માટે ASDCને શિક્ષણ સહાય પૂરી પાડશે.
9મી માર્ચે કરવામાં આવેલા આ સમજૂતિ કરાર પ્રમાણે ASDC કોર્સ-આધારિત તાલીમ પ્રદાન કરશે અને લાયકાત ધરાવતા અનુભવી અધ્યાપકો તૈનાત કરશે. અભ્યાસક્રમમાં સૂચવ્યા મુજબ નોકરી પરની તાલીમ/ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરશે. એટલું જ નહી, જો ખાસ પરવાનગી આપવામાં આવે તો NSQFના લેવલ 4 કે તેનાથી ઉપરના અભ્યાસક્રમો પ્રદાન કરવા મંજૂરી મેળવશે. તદુપરાંત NSQF માટે વિષય નિષ્ણાતોની મુલાકાતો ગોઠવવી, સફળ ઉમેદવારોના પ્લેસમેન્ટમાં મદદ કરશે, બિન-ITI વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં લેવલ 3 અભ્યાસક્રમો પૂરા પાડશે અને યુનિવર્સિટી દ્વારા નિર્દિષ્ટ પ્રશિક્ષકો માટે ToT કરશે. ઉપરાંત યુવાનોને BSc, હેલ્થકેર, પ્રવાસન અને હોસ્પિટાલિટીમાં BA, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમમાં BBA તેમજ અન્ય ત્રણ વર્ષના ડિગ્રી પ્રોગ્રામ્સનો લાભ મળશે.
ASDCના COO જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ASDC એક વર્ષમાં 200થી વધુ યુવાઓને તાલીમ આપે તેવી અપેક્ષા છે અને તેના વિશે જરૂરી પ્રચાર-પ્રસાર અને જાગૃતિ અભિયાન હાથ ધરશે. આ કરાર કૌશલ્ય વિકાસને વેગવાન બનાવશે અને કુશળ કાર્યબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.”
અદાણી સક્ષમ વિશે
સક્ષમ SAKSHAM એ કંપની અધિનિયમ, 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ અદાણી ફાઉન્ડેશનની પહેલ છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રની એક વિચારધારા છે જે ભારતીય યુવાનોને કુશળ વ્યાવસાયિકો બનીને જીવનમાં તેમના લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ બનાવે છે. SAKSHAM વિવિધ કોર્પોરેટ્સ અને અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા ભારતીય યુવાનો માટે ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટીથી સજ્જ વિશ્વ-કક્ષાના કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. આજ સુધીમાં, ASDC એ 90,000 થી વધુ યુવાનોને સશક્ત કર્યા છે.
Leave a Reply