યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બેકાબૂ બનતી મોંઘવારીને કાબૂમાં કરવા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. વર્ષ 2018 બાદનો આ પ્રથમ વધારો છે.
યુએસ ફેડે મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વના સૌથી મોટા અર્થતત્રમાં હવે વ્યાજદર 0.25%થી વધારીને 0.50% કરવાની જાહેરાત ફેડે કરી છે. દેશના અર્થતંત્ર માટે સૌથી વધુ ચિંતાનો વિષય હાલ મોંઘવારી છે અને સ્થિતિ બેકાબૂ ન બને તે માટે વ્યાજદરમાં વધારો કરવાનું તર્ક ફેડે આપ્યો છે.
યુએસ ફેડે કહ્યું કે સમય આવી ગયો છે કે રેટ વધારવા પડે. લાંબાગાળા સુધી નીચા વ્યાજદર આ સ્થિતિમાં અર્થતંત્રના વિકાસ માટે જ નકારાત્મક સાબિત થઈ શકે છે.
મોંઘવારીનું અનુમાન વધાર્યું :
વ્યાજદરમાં વધારાની સાથે ફેડે આગામી સમયનું આઉટલુક પણ ઘટાડ્યું છે. ફેડના કમિટી સભ્યોએ ઈન્ફલેશન ટાર્ગેટ 2.6%થી વધારીને 4.2% કર્યું છે અને સાથે-સાથે અમેરિકાના અર્થતંત્રના વિકાસ દરનું અનુમાન પણ 4%થી ઘટડીને 2.8% કર્યું છે. જાણકારોનો મત હતો કે યુએસ સેન્ટ્રલ બેંક 40 કરતા વધુ વર્ષોમાં સૌથી ખરાબ ફુગાવા સામે રક્ષણાત્મક પગલાં તરીકે 25-બેઝિસ પોઈન્ટ્સ દરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો 2018 પછી અમેરિકામાં આ પ્રથમ વ્યાજદર વધારો થશે.
ઉંચા વ્યાજદર ફુગાવા સામે રક્ષણ આપશે ?
ફેડરલ રિઝર્વના પોલિસીમેકર્સ ઋણને વધુ ખર્ચાળ બનાવવાનું લક્ષ્ય રાખે છે કારણકે જો ઋણ લેવું મોંઘું થશે તો ગ્રાહકો અને વ્યવસાયો રોકાણ કરવાનું રોકશે અને તેની અસરથી માંગ ઘટશે અને સંભવિત છે કે કિંમતોમાં પણ ઘટાડો થાય.
આ વર્ષે કેટલા વ્યાજદર વધારા અપેક્ષિત ?
વિશ્લેષકોએ આ વર્ષે અંદાજિત છ થી સાત દરમાં વધારો થવાની આગાહી કરી છે, ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધ આ અનુમાનોને બદલી પણ શકે છે કારણ કે જો ફેડ વ્યાજદરમાં ઝડપથી વધારો કરવાનું ચાલુ રાખશે તો તે માંગને વધુ નકારાત્મક રીતે અસર કરશે અને તેની અસર આર્થિક વૃદ્ધિ પર પડી શકે છે. વૃદ્ધિ અટકતા અંતે દેશમાં બેરોજગારીનો દર પણ વધી શકે છે.
રૂપિયાની મંદી પર બ્રેક :
યુક્રેન યુદ્ધની સાથે ફેડ દ્વારા વ્યાજદર વધારાની આશંકાએ ભારતીય ચલણમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે રૂપિયો ડોલરની સામે 35 પૈસાના સુધારે 76.26 પર બંધ આવ્યો છે.
Leave a Reply