– જેટ ગતિએ વિકસેલા વિસ્તારમાં ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધ્યા
મુન્દ્રાના ઔદ્યોગિક વિકાસ બાદ જેટ ગતિએ વિકસેલા બારોઇ રોડ પર પોલીસ ચોકી ન હોતાં અસામાજિક તત્વોને મોકળુ઼ં મેદાન મળ્યું છે. ઘરફોડ ચોરીની ઘટનાઓ નિરંતર વધતી રહેતી હોવાનું સામે આવ્યું છે ત્યારે પેટા પોલીસ ચોકી ની અત્યંત આવશ્યકતાઉભી થઇ છે. બીજી બાજુ આ રોડ પર મોકાની જગ્યા ફાળવવા સુધરાઇએ હાથ ઉંચા કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં બારોઇના સીમાડે થયેલી યુવાનની બેરહેમી પૂર્વક હત્યા, શ્રીજી નગરના મકાનમાં ચોરી ઉપરાંત એકી સાથે આઠ ઘરોમાં થયેલા લૂંટના બનાવમાં લુંટારૂ ટોળકી ગોકુલમ પાસેથી આગમન સિવાય અનેક નાની મોટી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં પોલીસ ચોકી ના અભાવે બેખોફ બનેલા અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું હોવાનું સપાટીએ તરી આવ્યું છે.
મહિલાઓની ઘાટી અવર જવર ધરાવતો આ રોડ હાલ લુખ્ખા તત્વોના અડ્ડા સમાન બન્યો છે. હાલમાં યોજાયેલા એસપીના લોકદરબારમાં પણ સૂચિત વિસ્તારમાં કન્ટેનર ચોકી કાર્યરત કરવાની પ્રબળ માંગ ઉઠી હતી પરંતુ આજ પર્યત પરિણામ શૂન્ય છે.
શ્રીસરકાર જમીન ચોકી માટે ફાળવવા નિર્ણય કરાયો હતો
બારોઇ રોડ પર ખારીમીઠ્ઠી રોડ ની ત્રિભેટે જિલ્લામાં બહુચર્ચિત બનેલા પરંતુ હાલ અભેરાઈ પર ચડેલા નજર આવતા જમીન કૌભાંડ અંતર્ગત શ્રીસરકાર દાખલ કરાયેલી જમીન અગાઉ કન્ટેઇનર ચોકી માટે ફાળવવાનો નિર્ણય કરાયો હતો.પરંતુ કહેવાય છે કે લાખેણી મિલકત પર સત્તામાં રહેલા ચોક્કસ તત્વોની મેલી નજર હોવાથી સુધરાઈ દ્વારા ઉદાસીન વલણ અપનાવાઈ રહ્યું છે.
અસંખ્ય દબાણો પણ 50 મીટર જગ્યાની ખોટ વર્તાય છે
મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે સુધરાઈ નો દરજ્જો મળ્યાને એક વર્ષ નો સમયગાળો વિતી ગયો હોવા છતાં બારોઇ રોડ ની દુકાનો પર રસ્તા સુધી દબાણો નજર આવે છે.જેને હજી સુધી દૂર કરવામાં સુધરાઈ તદ્દન નિષ્ફ્ળ ગઈ છે ત્યારે લોકોને સુરક્ષિત કરવા માટે ત્યાં પણ જગ્યા કરી કોઈ વૈકલ્પિક વ્યસ્થા ઉભી કરી શકાય તેવો મત પ્રબુદ્ધ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસ ગુનાઓ ડામવા તત્પર છે
આ મુદ્દે મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર મિતેષ બારોટ નો સંપર્ક સાધતા તેમણે ગુનેગારોને ડામવાની તત્પરતા દર્શાવી સુધરાઈ સમક્ષ કન્ટેઇનર ચોકી માટે જગ્યા ફાળવવા અપીલ કરાઈ હોવા પર ભાર મૂકી સકારાત્મક પ્રતિસાદ મળતાંજ ત્યાં સંપૂર્ણપણે સજ્જ પોલીસકર્મીઓ નિયુક્ત કરી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની ખાત્રી ઉચ્ચારી હતી.પટેલ સમાજે હસ્તગત કરેલી જમીન મગાઇ
સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે ત્રિભેટે હસ્તગત કરાયેલી કૌભાંડ પૈકીની જમીનની સ્થાનિક પટેલ સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવા માટે માંગ કરાઈ હોવાનું કહ્યું હતું. એક વખત સર્વે થઇ ગયા બાદ બાકી વધતી જમીન કન્ટેઇનર ચોકી માટે ફાળવવાનું જણાવીને આંતરિક વિસ્તારમાં પ્લોટ આપવાની તૈયારી દર્શાવી હતી.
Leave a Reply