– બાળકો માટે બાયોલોજિકલ ઇ. કંપનીની કોર્બેવેક્સ રસીને મંજૂરી
– હવેથી 60 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ બૂસ્ટર ડોઝ લઇ શકશે, કોરોનાના નવા માત્ર 2503 કેસો, વધુ 27 લોકોનાં મોત
કોરોના વાઇરસના દૈનિક કેસોમાં મોટો ઘટાડો થઇ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે 12થી 14 વર્ષની વયના બાળકો માટે બુધવારથી રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વયના બાળકોને બાયોલોજિકલ ઇ. લિ. કંપની દ્વારા તૈયાર કરાયેલી કોર્બેવેક્સ રસી આપવામાં આવશે તેમ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
એવા અહેવાલો છે કે 12થી 14 વર્ષની વયના આશરે 7.11 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારને કંપનીએ કોર્બેવેક્સની રસીના પાંચ કરોડ ડોઝ પુરા પાડયા છે જે રાજ્યો સુધી પહોંચતા કરી દેવાયા છે તેમ કેન્દ્ર સરકારે કહ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે જો બાળકો સુરક્ષીત તો દેશ સુરક્ષીત.
મને જણાવતા ખુશી થાય છે કે 16મી માર્ચથી 12થી 14 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ હવે પ્રીકોશન એટલે કે બુસ્ટર ડોઝ લેવા સક્ષમ છે.
જ્યારે બીજી તરફ કોરોના વાઇરસના દૈનિક કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 680 દિવસમાં સૌથી ઓછા માત્ર 2503 નવા કેસો સામે આવ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4.29 કરોડે પહોંચી ગઇ છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 27 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 5.15 લાખને પાર પહોંચી ગયો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ છેલ્લા 675 દિવસોમાં સૌથી ઓછી માત્ર 36,168એ પહોંચી ગઇ છે. કેસોના ઘટાડા સાથે 12થી 14 વર્ષની વયનાને રસી આપવામાં આવશે સાથે જ 60 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
Leave a Reply