– દેશની 11 કંસ્ટ્રકશન કંપનીના ટેન્ડર આવ્યા : આગામી બે મહિનામાં કામ શરૂ થશે
અંજાર તાલુકાના ભીમાસર જંકશનથી ભુજ એરપોર્ટ ચોકડી સુધી રાજ્ય ધોરીમાર્ગ ગત વર્ષે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયા બાદ ચાર માર્ગીય બનાવવાની ગતિવિધિ તેજ બની હતી. સર્વે અને એસ્ટીમેટ બનાવીને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કેન્દ્ર સરકારમાં મૂકાતા બજેટ 22-23 માં માર્ગ અને પરિવહન મંત્રાલયે 1373 કરોડ ફાળવ્યા છે. જેની જાણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કરી હતી. ભીમાસર જંકશનથી ભુજ એરપોર્ટ ચોકડી સુધી કુલ 59 કિલોમીટરના માર્ગને ફોર લેન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ થઈ છે, જે અંતર્ગત ભારતમાંથી કુલ 11 કંપનીઓએ તેમના ભાવ ભર્યા છે.
આગામી બે મહિનામાં એજન્સી નક્કી કરી અને કામના વર્ક ઓર્ડર અપાઈ જતા કામગીરી મે મહિનાના અંત સુધી શરૂ થઈ જશે તેવી માહિતી એન.એચ. એ.ના પ્રોજેક્ટ મેનેજર કૃષ્ણપાલ ચૌહાણે આપી હતી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી જાહેર કર્યું હતું કે, ભારતમાલા પરિયોજના અંતર્ગત આ 65 કિલોમીટર રસ્તાના ચાર માર્ગીય રૂપાંતરણ માટે 1373.06 કરોડ મંજૂરી આપવામાં આવી છે.
કામના વર્ક ઓર્ડર મળ્યાના બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે, આ રસ્તામાં પાંચ રેલવે ફાટક આવે છે, જેના પર ફ્લાય ઓવર બ્રિજનું કામ પણ સમાંતર ચાલુ કરાશે. રેલવે વિભાગ દ્વારા સ્થળ ચકાસણી અને તેના માટેની જરૂરી કાર્યવાહી કરી છે. જમીન સંપાદન કાર્ય નેવું ટકા સંપૂર્ણ થઈ ગયું છે, અંજાર પાસે થોડી ઘણી બાકી છે, તેને અંજાર અને ભુજ પ્રાંત અધિકારીને સાથે રાખી પૂર્ણ કરવામાં આવશે.
તો બીજી તરફ ભુજ-ભચાઉ માર્ગ બન્યો છે અકસ્માત ઝોન
એક તરફ ભીમાસરથી ભુજ સુધી રાષ્ટ્રીય માર્ગને ચાર માર્ગીય બનાવવા માટેની મંજૂરી અને ત્યારબાદ ટેન્ડર બહાર પાડી 1300 કરોડથી વધુની રકમ કેન્દ્ર સરકારે મંજૂર સુદ્ધાં કરી નાખી છે, જ્યારે બીજી તરફ ભુજથી ભચાઉ રસ્તો માર્ગ મકાન વિભાગ પાસેથી લઇને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમને સોંપ્યા બાદ એજન્સીના વાંકે વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. અનેક જગ્યાએ ખાડા પડી જતાં ભારે વાહનો અને કાર, જીપ જેવા નાના વાહનો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. આ રસ્તાના ખાડા પૂરવા માટે રાજ્ય સરકાર ઉકેલ નથી લઈ આવતી તે નવાઈ છે.
Leave a Reply