– અડધી રાતે ભારતીય વિદ્યાર્થીઓ માટે ખડેપગે રહી અલ્પાહાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી
– મહાયુદ્ધની કટોકટી વચ્ચે ઓપરેશન ‘ગંગા’ હેઠળ આવતા ભારતીયોને મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્વોત્તમ સેવા અને સુરક્ષા મળી રહે તે માટે એરપોર્ટનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં દારૂગોળાના પ્રચંડ ધમાકાઓ વચ્ચેથી આશરે 300 ભારતીય વિદ્યાર્થીઓનું વધુ એક જૂથ ભારત પરત ફર્યુ છે. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તમામ ભારતીયોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. ચારેય બાજુ એરસ્ટ્રાઈક્સ, તોપમારો, બોમ્બ બ્લાસ્ટ્સ અને યુદ્ધની ખુંવારી જોઈ ચૂકેલા વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરતાં જ તેમના પરિજનોના આનંદનો પાર નથી. તો મહાયુદ્ધના તાંડવથી ઘેરાયેલા નિર્દોષ વિદ્યાર્થીઓ માતૃભુમિએ પહોંચતા તેમના જીવમાં જીવ આવ્યો.
યુક્રેનથી નીકળેલા વિદ્યાર્થીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રે 2.30 કલાકે ઉતરાણ કર્યું. માદરે વતન પરત ફરેલી ગુજરાતની વિદ્યાર્થિની ભાર્ગવી પટેલ જણાવે છે કે, “જ્યારે અમે મુંબઈના શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા ત્યારે અમારો બરાબર આદર સત્કાર કરવામાં આવ્યો. એરપોર્ટ પર અમારા માટે સુવિધાજનક આવાગમનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અડધી રાતે પણ અમારા માટે અલ્પાહાર અને વિશ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી“
અગાઉ ભારતીય એમ્બેસી તરફથી ઓપરેશન “ગંગા” હેઠળ વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાનો આદેશ આપી દેવાયો હતો. મેડિકલના ઉચ્ચ અભ્યાસર્થે પરદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે આ સૂચના ભયજનક હતી. યુદ્ધભૂમિ પર વધુ સમય રહેવુ અત્યંત જોખમી અને પડકારજનક હતું. કટોકટીનો સમય પારખી તેમને રોમાનિયા સુધી બસમાં પહોંચાડી શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા. રોમાનિયામાં તેમની પુરતી કાળજી તો રાખવામાં આવી પરંતુ ક્યારે શું થાય તે કહી શકાય તેમ ન હતું. એવી અજંપા અને અશાંતિભરી સ્થિતીમાં તમને માદરે વતનનો વિરહ સતાવતો હતો.
ચારેય તરફથી મિસાઈલ્સ અને તોપમારાના કર્ણભેદી અવાજો સાંભળીને જ વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જો કે, ભારતીય તિરંગાની તાકાત સામે ગગનચુંબી તોપો પણ ભોંઠી પડી, વિદ્યાર્થીઓનો વાળ પણ વાંકો ન થયો. યુક્રેનથી તિરંગો હાથમાં લઈ નીકળેલા વિદ્યાર્થીઓ તમામ પડકારોને મ્હાત આપી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈ એરપોર્ટ સુધી હેમખેમ પહોંચી ગયા.
યુદ્ધના મેદાનમાં થતી એર સ્ટ્રાઈક્સ અને પ્રચંડ બોમ્બમારાથી હચમચી ગયેલા ભારતીય વિદ્યાર્થીઓએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દેશ-વિદેશમાં મળી રહેલા સહકારના પગલે યુક્રેનમાં ફસાયેલા 16000થી વધુ ભારતીયોને પરત લાવવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. હજુ બાકી રહી ગયેલા લોકોને બૂડાપેસ્ટ પહોંચી ઓનલાઇન ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે.
ઓપરેશન ગંગા હેઠળ આવતા મુસાફરો માટે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશેષ સુવિધાઓ
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 8મી માર્ચ 2022 સુધીમાં ઓપરેશન ‘ગંગા’ હેઠળ યુક્રેનથી 10 ફ્લાઈટ્સમાં 1871 મુસાફરો સ્વદેશ લાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના આગમન માટે ખાસ કોરિડોર અને ઇમિગ્રેશનની સૌથી નજીકનો એરોબ્રિજ ફાળવવામાં આવ્યો છે. તમામ મુસાફરોને પ્રિ-પેક્ડ ફૂડ અને બેવરેજ આપવામાં આવ્યા છે. ઉપરાંત ખાસ તેમના માટે ઇમિગ્રેશન કાઉન્ટર્સ અને કસ્ટમ્સ સ્ક્રીનીંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્ય પ્રમાણે મીટ અને ગ્રીટ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને વિવિધ રાજ્યોના સરકારી અધિકારીઓ તેમના રાજ્યોના વિદ્યાર્થીઓને સરળતાથી મળી શકે.
આ સાથે જ કનેક્ટિંગ ફ્લાઇટ્સ ધરાવતા પેસેન્જર્સ માટે પરિવહન પ્રદાન કરવામાં આવી રહ્યું છે. CSMIA ખાતે લાંબા સમય સુધી વિશ્રામ કરનારાઓ માટે હોટેલ રૂમ/લાઉન્જની ઍક્સેસ આપવામાં આવી છે. તમામ મુસાફરોને વિનામૂલ્યે તબીબી સહાય અને RT-PCR પરીક્ષણોની સેવા પણ આપવામાં આવી રહી છે.
Leave a Reply