રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ભારતીય અર્થજગતને મસમોટો ફટકો પડવાની આશંકા વચ્ચે સ્ટીલ સેક્ટર માટે ચમકતા દિવસો પરત ફરી શકે છે. બજારના બદલાતા સમીકરણો ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરી શકે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે પરંતુ નિકાસ બજારમાં તેનો હિસ્સો ઘણો ઓછો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન ભારત કરતાં નાના સ્ટીલ ઉત્પાદકો છે પરંતુ સ્ટીલ નિકાસ બજારમાં તેમનો ફાળો ભારત કરતાં વધુ છે. બંને દેશો યુરોપ અને મધ્ય પૂર્વમાં સ્ટીલની નિકાસ કરે છે પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધોને કારણે નિકાસ ખોરવાઈ જવાની ધારણા છે.
બ્રોકિંગ અને રિસર્ચ કંપની મોતીલાલ ઓસ્વાલનો અંદાજ છે કે રશિયા અને યુક્રેન વાર્ષિક 44-45 મિલિયન ટન સ્ટીલની નિકાસ કરે છે, જેમાં એકમાત્ર રશિયા યુરોપમાં 14-15 મિલિયન ટન સ્ટીલની નિકાસ કરે છે, પરંતુ રશિયા પરના આર્થિક પ્રતિબંધો અને યુક્રેનમાં અસ્થિરતાને કારણે સ્ટીલની નિકાસ 12 ટકા ઘટી છે. અન્ય પરિબળોને કારણે પણ વૈશ્વિક સ્ટીલ વેપારને અસર થવાની ધારણા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી પણ સ્ટીલનો પુરવઠો પહેલાની સ્થિતિમાં પાછો ફરવામાં 6-8 મહિનાનો સમય લાગી શકે છે.
આ કારણોસર યુદ્ધની જાહેરાત બાદ સ્ટીલની કિંમતો વધવા લાગી છે. બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતથી આજદિન સુધીમાં વિદેશી બજારમાં 12 જ દિવસમાં કિંમતમાં 27 ટકાથી વધુનો વધારો થયો છે. 18 ફેબ્રુઆરીના રોજ બેન્ચમાર્ક હોટ રોલ્ડ કોઇલ સ્ટીલની કિંમત વિદેશી બજારમાં 947 ડોલર પ્રતિ ટન હતી. 4 માર્ચે કિંમત 1205 ડોલર પ્રતિ ટનને પાર પહોંચી ગઈ હતી. યુરોપની ઘણી કંપનીઓએ સ્ટીલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું છે અને આ વધેલા ભાવે ભારતીય સ્ટીલ કંપનીઓ માટે નિકાસની ઉજ્જળી તક લાવી છે.
દેશની સૌથી મોટી સ્ટીલ કંપની જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના મેનેજિંગ ડિરેક્ટરે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ 1150 ડોલર પ્રતિ ટનના ખર્ચે સરળતાથી યુરોપમાં સ્ટીલ એક્સપોર્ટ કરી શકે છે, જે યુરોપના બજારની હાલની કિંમત કરતાં લગભગ 100 ડોલર ઓછી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય સ્ટીલ ઉદ્યોગ પ્રતિ ટન 1000 ડોલરની આસપાસ સ્ટીલની નિકાસ કરે છે.
સ્ટીલની નિકાસમાં 76 ટકાનો ઉછાળો :
યુરોપમાંથી ભારતીય સ્ટીલની માંગ વધી રહી છે, જેના કારણે ફેબ્રુઆરી દરમિયાન ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાં 76 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જોઈન્ટ પ્લાન્ટ કમિટીના ડેટા મુજબ ફેબ્રુઆરી દરમિયાન દેશમાંથી 11.57 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરવામાં આવી છે, જે ગત વર્ષે ફેબ્રુઆરીમાં 6.55 લાખ ટન હતી. જોકે સ્ટીલની નિકાસમાં વધારો અને વૈશ્વિક ભાવમાં વધારાને કારણે સ્થાનિક સ્તરે પણ ભાવ વધવા લાગ્યા છે. ગત અઠવાડિયે સ્ટીલ કંપનીઓએ વિવિધ સ્ટીલ ઉત્પાદનોના ભાવમાં 5000-8000 રૂપિયા પ્રતિ ટનનો વધારો કર્યો હતો. કિંમતમાં હજુ વધારો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે વૈશ્વિક સ્તરે સ્ટીલની કિંમતને કારણે તે નિકાસ વધારવામાં મદદ કરશે પરંતુ સ્થાનિક ગ્રાહકોના ખિસ્સા પણ ખાલી કરશે.
Leave a Reply