વિકસીત દેશોની જેમ ભારતમાં પણ મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થઇ રહી છે અને નાણાં-રોકાણ સંબંધિત નિર્ણયો જાતે લઇ રહી છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં પુરૂષોની તુલનાએ મહિલા લોનધારકોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો છે.
સિબિલના એક રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ 2016થી 2021 સુધીના છેલ્લા પાંચ વર્ષમાં મહિલા લોનધારકોની સંખ્યા 19 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદરે (સીએજીઆર) વધી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન પુરૂષ લોનધારકોની સંખ્યા 14 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામી છે. મહિલા બોરોઅર્સનું પ્રમાણ વર્ષ 2021માં વધીને 29 ટકા થયો છે, જે વર્ષ 2016માં 25 ટકા હતો.
ભારતની અંદાજિત સવા અબજની વસ્તીમાં અંદાજે 43.5 કરોડ પુખ્ત સ્ત્રીઓનો સમાવેશ થાય છે જેમાંથી માત્ર 5.4 કરોડ સ્ત્રીઓ જ હાલ સક્રિય લોનધારકો છે. જ્યારે વર્ષ 2016માં આ આંકડો 2.25 કરોડ હતો.
વિશ્લેષ્ણ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મહિલા લોનધારકોની સંખ્યા સૌથી વધુ ગુજરાતમાં 23 ટકાના દરે વધી છે. જો કે સમગ્ર દેશમાં તમિલનાડુમાં સૌથી વધુ 85.2 લાખ મહિલાઓએ લોન લીધી છે.
મહિલાઓની માટે ક્રેડિટ પેનિટ્રેશન (કુલ વયસ્ક વસ્તીમાં લોન લેનારાઓની ટકાવારી) વર્ષ 2016માં છ ટકા હતી જે વધીને 2021માં 12 ટકા થઈ છે.
ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરોએ જણાવ્યા અનુસાર, કુલ બાકી રિટેલ ક્રેડિટ બેલેન્સના સંદર્ભમાં મહિલા લોન લેનારાઓનો હિસ્સો 23 ટકા હતો. કોવિડ-19 મહામારીની પ્રતિકુળ અસરો વચ્ચે પણ મહિલા લોનધારકોની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ થઇ છે. કેલેન્ડર 2021માં પુરૂષ લોનધારકોની સંખ્યામાં 6 ટકાની વૃદ્ધિ સરખામણીએ મહિલા લોનધારકોની સંખ્યામાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતના રિટેલ ક્રેડિટ માર્કેટમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે કે તેમણે પુરૂષોની સરખામણીએ વધુ સારી એસેટ્સ ક્વોલિટી પ્રોફાઇટ જાળવી રાખી છે અને તેમને શિસ્તબદ્ધ લોનધારકો માનવામાં આવે છે. રિટેલ લોન સેક્ટરમાં 90 દિવસ કરતા વધારે સમયથી ડિફોલ્ટનું પ્રમાણ મહિલા લોનધારકોના કિસ્સામાં 5.2 છે જ્યારે પુરૂષ લોનધારકોમાં આ રેશિયો 6.9 ટકા છે.
Leave a Reply