– યુક્રેન-રશિયા વચ્ચના યુદ્ધથી ઉભી થનારી સમસ્યાઓને કારણેનરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાત આવશે, જીએમડીસી ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમ સહિત અનેક સ્થળે કાર્યક્રમો
– તા.11થી 14 માર્ચ ડિફેન્સ એક્સ્પો તથા તા.1 અને 2 મેએ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હતી
ગુજરાતમાં ગ્લોબલ ડિફેન્સ એક્સપો 2022 અને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટના વૈશ્વિકસ્તરના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે નાણાકીય અને ડિપ્લોમેટીક રીતે ઉભી થયેલી પરિસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાત યથાવત રાખવામાં આવી છે.
ભારતનો 10મો ડિફેન્સ એક્સપો 11 થી 14 માર્ચ દરમ્યાન યોજવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. કેેન્દ્રિય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ એક્સપો અંગે ગુજરાત સરકારને માર્ગદર્શન આપી રહ્યાં હતા પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે કેન્દ્ર સરકાર અને પીએમઓએ આ એક્સપોને રદ કર્યો છે અને તેની જાણ ગુજરાત સરકારને કરી છે.
આ એક્સપોમાં ગાંધીનગર અને અમદાવાદમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટના પ્રદર્શન યોજાવાના હતા. ડિફેન્સના ગ્લોબલી સેમિનાર અને એમયુઓ થવાના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક્સપોનું ઉદ્દઘાટન કરી ગુજરાતમાં બે દિવસ રોકાણ કરવાના હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી સહિત સિનિયર કેબિનેટ મંત્રીઓ અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ત્રણ દિવસ ઉપસ્થિત રહેવાના હતા.
કેન્દ્રની સીધી સૂચના પછી ડિફેન્સ એક્સપોની સાથે 1 અને 2 મે ના રોજ મહાત્મા મંદિરમાં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પણ મોકુફ રાખવામાં આવી છે. આ સમિટ પહેલાં જાન્યુઆરી 2022માં થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે મોકુફ રાખી નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. હવે યુદ્ધ અને ડિપ્લોમેટીક કારણોસર આ સમિટ બીજીવાર મોકુફ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ માટે હવે નવી તારીખ નક્કી કરવામાં આવશે જ્યારે ડિફેન્સ એક્સપો ક્યારે યોજવામાં આવશે તે હજી અનિશ્ચિત છે. આ એક્સ્પો હાલ પુરતો રદ કરવાની જાહેરાત સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવી હતી. આ એક્સપો માટે દુનિયાભરની 900 કંપનીઓ અને 55 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના હતા. આ એક્સપોને એશિયાનો સૌથી મોટો એક્સપો તરીકે ગણાવાઇ રહ્યો હતો.
એક્ઝિબિશન દરમ્યાન 1000 જેટલા ડ્રોનનું પણ પ્રદર્શન યોજાવાનું હતું. વિદેશી ડેલિગેટ્સ ઉપરાંત 50 સંરક્ષણ મંત્રીઓ-લશ્કરી વડા સામેલ થવાના હતા. 2020માં છેલ્લો એક્સપો લખનૌમાં યોજાયો હતો. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે.
11મી માર્ચે વડાપ્રધાનની ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પંચાયતી રાજની ત્રણેય સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું એક મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે, જેમાં એવો અંદાજ છે કે દોઢ લાખ કરતાં વધુની જનમેદની એકત્ર કરાશે. જ્યારે 12મી માર્ચે મોદી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરશે. આ ઉપરાંત ગુજરાતના બીજા ત્રણેક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપવાના છે.
Leave a Reply