– કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ અને જનરલ વીકે સિંહ નિકાસી મિશનના સમન્વય અને વિદ્યાર્થીઓની મદદ કરવા માટે જશે
યુક્રેને છેલ્લા 4 દિવસથી રશિયાને કીવની બહાર રોકી રાખ્યું છે. આ બધા વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેન માટે આગામી 24 કલાક ખૂબ પડકારજનક રહેશે તેમ જણાવ્યું છે. આ તરફ જી7 નેતાઓએ યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રશિયા સામેની લડાઈમાં તમામ દેશો યુક્રેનનું સમર્થન ચાલુ રાખશે. આ તરફ રશિયન હુમલામાં યુક્રેનના 352 સામાન્ય નાગરિકોના મોત થયા છે જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે.
PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
વડાપ્રધાન મોદીએ આજે ફરી એક વખત યુક્રેન સંકટ મામલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. અગાઉ રવિવારે પણ વડાપ્રધાને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા પણ ઉપસ્થિત રહ્યા. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક 2 કલાકથી પણ વધારે સમય સુધી ચાલી. આ દરમિયાન વડાપ્રધાને આપણા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમને કાઢવા આપણી સર્વોચ્ય પ્રાથમિકતા છે તેમ કહ્યું હતું.
યુક્રેનના સીમાવર્તી દેશોમાં મોકલવામાં આવશે કેન્દ્રીય મંત્રીઓ
યુક્રેન સંકટ મામલે વડાપ્રધાને ઈમરજન્સી બેઠક બોલાવી. એક અહેવાલ પ્રમાણે ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓની નિકાસી માટે કેટલાક કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના સીમાવર્તી દેશોમાં મોકલવામાં આવી શકે છે. આ મંત્રીઓ અન્ય દેશો સાથે વિદ્યાર્થીઓની નિકાસીમાં સમન્વય સ્થાપિત કરવાનું કામ કરશે.
4 મંત્રી મોકલવામાં આવશે
જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ અને જનરલ વીકે સિંહ નિકાસી મિશનના સમન્વય અને વિદ્યાર્થીઓની મદદ કરવા માટે યુક્રેનના પાડોશી દેશોની યાત્રા કરશે.
Leave a Reply