– ચૂંટણીઓ બાદ ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ જોરદાર વધશે
– ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ તથા સરકારના આયાત બિલમાં તોળાતો ધરખમ વધારો
રશિયા દ્વારા યુક્રેન પર લશકરી હુમલા શરૂ કરાતા વૈશ્વિક ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની સપાટીને વટાવી ગયા હતા. ૨૦૧૪ બાદ પહેલી વખત ક્રુડ તેલના ભાવ ૧૦૦ ડોલરને પાર જોવા મળ્યા છે. મોડી સાંજે ક્રુડ તેલ ૧૦૫ ડોલર બોલાતું હતું.
રશિયા ક્રુડ તેલનું બીજું મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. તે પોતાનું મોટાભાગનું ક્રુડ તેલ યુરોપની રિફાઈનરીઓને વેચે છે. આ ઉપરાંત કુદરતી ગેસનો પણ મોટો પૂરવઠેદાર દેશ છે. રશિયા પોતાના ગેસનો ૩૫ ટકા પૂરવઠો યુરોપના દેશોને કરે છે.
ભારતની વાત કરીએ તો ભારત તેની ક્રુડ તેલની ૮૫ ટકા આવશ્યકતા આયાત મારફત પૂરી કરે છે. આવી સ્થિતિમાં ક્રુડ તેલના ઊંચા ભાવ ફુગાવો વધારશે એટલું જ નહીં ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરાવશે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધશે. આ ઉપરાંત દેશનું આયાત બિલ ઊંચે જશે જેને પરિણામે ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવશે, જે સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.
હાલમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીઓ સમાપ્ત થઈ જવા બાદ પેટ્રોલ-ડિઝલના રિટેલ ભાવમાં ધરખમ વધારો જોવા મળશે, એમ જાણકારો જણાવી રહ્યા છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાના અહેવાલ બાદ બ્રેન્ટ ક્રુડ વૈશ્વિક બજારમાં ઉછળીને પ્રતિ બેરલ ૧૦૩ ડોલર પહોંચી મોડી સાંજે ૧૦૫ ડોલર બોલાતું હોવાનું જોવા મળ્યું હતું. નાયમેકસના ભાવ પ્રતિ બેરલ ૯૯ ડોલર બોલાતા હતા.
૨૦૨૨ના પ્રારંભથી અત્યારસુધીમાં ક્રુડ તેલના ભાવમાં બેરલ દીઠ ૨૦ ડોલર જેટલો ઉછાળો આવ્યો છે. રશિયાના ઊર્જા ક્ષેત્ર પર સખત પ્રતિબંધો આવવાની ધારણાંએ ક્રુડ તેલના ભાવ ઊંચે ગયાછે. પ્રતિબંધને કારણે રશિયા ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ જશે.
યુદ્ધની સ્થિતિ જ્યાંસુધી થાળે નહીં પડે ત્યાંસુધી ક્રુડ તેલના ભાવમાં વધારો જળવાઈ રહેવાની શકયતા રહેલી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
રશિયા પર સખત પ્રતિબંધની સ્થિતિમાં તેને ત્યાંથી ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાઈ શકે છે અને ઓપેક દેશો ઓઈલની વૈશ્વિક માગ જેટલો પૂરવઠો કરી શકે એમ નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Leave a Reply