– વિસર્જિત દેશો અમેરિકા, યુરોપ અને નાટોને મજબુત બનાવે છે
– પુતિને 2014માં ક્રિમિયાને પણ રશિયાની શેહ હેઠળ લાવી દીધું હતું : હવે યુક્રેન પર નજર
રશિયાના પ્રમુખ ફરી સોવિયેત યુનિયનનું સર્જન કરવાના તેમના ધ્યેય તરફ આગળ ધપી રહ્યા છે તેવી રાજકીય ધારણા વિશ્વના ટોચના વિશ્લેષકો બાંધવા માંડયા છે. પુતિને પાંચ વર્ષ પહેલા આવો સંકેત આપ્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ ડિફેન્સ હેડ લીઓન પનેટ્ટાએ પણ એક તબક્કે અમેરિકાની સરકારને પુતિનની ગુપ્ત ખ્વાઈશથી ચેતવ્યા હતા.
સીઆઈએના પણ ડાયરેકટર રહી ચૂકેલા પનેટ્ટા એ કહ્યું હતું કે પુતિન એવો તખ્તો ઘડશે કે સોવિયેત યુનિયનથી છૂટા પડેલા અને સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વ ધરાવતા ટચૂકડા કદના દેશો સમજાવટથી કે પછી લશ્કરી બળથી રશિયાની પાંખમાં સમાઈ જાય. આ વિસર્જિત થયેલા યુક્રેન જેવા દેશો અમેરિકા અને યુરોપિય દેશોના ગઠબંધનને વધુ મજબુત બનાવતા ‘નાટો’માં સામેલ છે એટલું જ નહીં તેઓ યુરોપિયન યુનિયન જોડે ધંધો કરીને તેઓને વધુ આર્થિક રીતે મજબુત કરે છે.
રશિયાએ આ જ રીતે 2014માં ક્રીમિયા કબજે કરી લીધું હતું. ત્યારે પણ અમેરિકા અને યુરોપીય દેશો વિશ્વયુદ્ધ જેવી નોબત ન સર્જાય તેથી મૌન રહેલા અને તે જ રણનીતિથી રશિયા યુક્રેનના બે ભાગ પાડી પહેલા પૂર્વ યુક્રેનને તેને તાબે કરશે. યુક્રેનના નાગરિકોનો જે વર્ગ કે પ્રાંત રશિયા તરફી ઝોડ ધરાવે છે તેઓનો સાથ મેળવી દબાણ સર્જશે.
ક્રીમિયામાં પણ પુતિને તેના સમર્થકોને રાખીને જ અમેરિકા અને યુરોપિયન દરમ્યાનગીરીની જરૂર નથી તેવો માહોલ સર્જાયો હતો. પુતિન રશિયાની પાલ્રામેન્ટમાં તેમજ કેટલાક ઈન્ટરવ્યુમાં પણ કહી ચૂક્યા છે કે અમેરિકા સામે સોવિયેત યુનિયન એટલા માટે સુપર પાવર હતું કે રશિયા અન્ય સોવિયેત દેશો સાથે સંગઠિત હતું. બે જ ધરી વિશ્વમાં હતી. યુરોપ પણ મજબુત નહોતું. સોવિયેત રશિયાના અરસામાં જ રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં પ્રભુત્વ બતાવ્યું હતું. અંતરિક્ષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હંગેરી તેમજ ચેકોસ્લાવેકિયાને પરાસ્ત કર્યું હતું. વિસર્જન પછી રશિયાને ચેચન્યા જેવા ટચૂકડા દેશ સામે હાર જોવી પડી હતી કેમ કે ‘નાટો’ સેનાનો ચેચન્યાને સાથ મળ્યો હતો. રશિયા ફરી સુપર પાવર બનવા માંગે છે.
Leave a Reply